પાટણ, 14 ઓગસ્ટ (હિ.સ.)પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકરની અધ્યક્ષતામાં પાટણ વેપારી મહામંડળ સાથે બેઠક યોજાઈ, જેમાં શહેરની સ્વચ્છતા, પ્લાસ્ટિક નિયંત્રણ અને ટ્રાફિક સમસ્યાના નિરાકરણ અંગે ચર્ચા થઈ.
વેપારીઓએ વેપારી મથકોમાં ટોયલેટ સુવિધાની જરૂરિયાત અને દુકાનો આગળ લાંબા સમય સુધી રહેતી કમાનોથી થતી અગવડતા અંગે રજૂઆત કરી. તેમનું કહેવું હતું કે કમાનોથી તેમના વ્યવસાયને નુકસાન થાય છે.
ચીફ ઓફિસરે જાહેર કર્યું કે હવે શહેરના જાહેર માર્ગો પર કોઈપણ પ્રસંગે કમાનો લગાવવા માટે નગરપાલિકાની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત રહેશે. મંજૂરી વગર કમાનો લગાવનાર સામે કાયદેસરની કાર્યવાહી થશે, જેથી ટ્રાફિક સમસ્યા ઘટશે અને વેપારીઓને રાહત મળશે. નગરપાલિકાએ વેપારીઓને સ્વચ્છતા અને ટ્રાફિક વ્યવસ્થા સુધારવામાં સહયોગ આપવા અપીલ કરી.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર