સુરતનો ‘પાકિસ્તાની મહોલ્લો’ હવે બન્યો ‘હિન્દુસ્તાની મહોલ્લો'
સુરત , 14 ઓગસ્ટ (હિ.સ.)- ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદીના હસ્તે રામનગરમાં આજે હિન્દુસ્તાની મહોલ્લો નામની તક્તીનું અનાવરણ કરવામાં આવ્યું. અગાઉ આ વિસ્તાર પાકિસ્તાની મહોલ્લો તરીકે ઓળખાતો હતો, જેનું નામ બદલીને હવે સત્તાવાર રીતે હિન્દુસ્તાની મહોલ્લો રાખવામાં આવ
Surat


સુરત , 14 ઓગસ્ટ (હિ.સ.)- ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદીના હસ્તે રામનગરમાં આજે હિન્દુસ્તાની મહોલ્લો નામની તક્તીનું અનાવરણ કરવામાં આવ્યું. અગાઉ આ વિસ્તાર પાકિસ્તાની મહોલ્લો તરીકે ઓળખાતો હતો, જેનું નામ બદલીને હવે સત્તાવાર રીતે હિન્દુસ્તાની મહોલ્લો રાખવામાં આવ્યું છે. આ વિસ્તારના સિંધી પરિવારો ભારતના વિભાજન બાદ સિંધ પ્રદેશથી આવી અહીં વસ્યા હતા. લોકવાયકાથી “પાકિસ્તાની મહોલ્લો” તરીકે ઓળખાતા આ વિસ્તારોના નામ બદલવા માટે ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદીએ પાલિકાના સાંસ્કૃતિક વિભાગ પાસે રજૂઆત કરી હતી. વર્ષ 2018-19માં મંજૂર થયેલા ઠરાવ મુજબ આ બદલાવ અમલમાં મૂકાયો છે.

આજે 14 ઓગસ્ટ — અખંડ ભારત સ્મૃતિ દિવસ અને આવતીકાલે 15 ઓગસ્ટ — સ્વતંત્રતા દિવસ તેમજ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિતે આ નવું નામ અનાવરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે માજી કોર્પોરેટર દિગ્વીજયસિંહ બારડ, અનિલભાઈ બિસ્કીટવાલા, પ્રિયંકાકુંવર નૂતન કુંવર, અશોકભાઈ ગોહિલ, જીતેશભાઈ મહેતા સહિત સિંધી સમાજના આગેવાનો અને સ્થાનિક રહીશો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ઉપરાંત, જે રહીશોના આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, રેશનકાર્ડમાં હજી પણ “પાકિસ્તાની મહોલ્લો” તરીકે ઉલ્લેખ છે, તેમના દસ્તાવેજોમાં સુધારા માટે ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદીએ ખાસ વ્યવસ્થા કરી છે. આ માટે રહીશો આ રવિવારે નવયુગ કોલેજ કેમ્પસ ખાતે યોજાનારા ‘સેવા સેતુ’ કાર્યક્રમમાં હાજરી આપી સુધારો કરાવી શકશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande