ભુજ ખાતે જિલ્લાકક્ષાની તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન: તિરંગાની આન બાન અને શાન સાથે કચ્છ દેશભક્તિના રંગે રંગાયું
ભુજ – કચ્છ, 14 ઓગસ્ટ (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રભાવનાની જ્યોત ઘર ઘરમાં પ્રજ્વલિત કરવા ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં દેશવાસીઓને જોડાવા આહ્વાન કર્યું છે. જેને અનુસરીને સમગ્ર દેશ તિરંગાના રંગમાં રંગાઈને તિરંગા યાત્રામાં સહભાગી બનતાં રાષ્ટ્રીય એકતાની ભાવનાના દર્શન થયા હતાં. 3૦૦ મીટર લંબાઈનો તિરંગો યાત્રા દરમિયાન આકર્ષકનું કેન્દ્ર બન્યો હતો. તિરંગા યાત્રામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, મહિલાઓ, ગ્રામજનો, સામાજિક સંસ્થાઓ, પોલીસ જવાનો, હોમગાર્ડ જવાનો, બીએસએફના જવાનો, આંગણવાડી કાર્યકરો, આરોગ્યકર્મીઓ તથા મોટી સંખ્યામાં રાષ્ટ્રપ્રેમી નાગરિકોએ જોડાઇને ભારતદેશની એકતાનો પરિચય આપ્યો હતો.
માત્ર કચ્છ નહીં સમગ્ર દેશમાં દેશભક્તિના દર્શન
આ તિરંગા યાત્રામાં સાંસદ વિનોદ ચાવડાએ યાત્રાનો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં હર ઘર તિરંગા યાત્રા અભિયાન અંતર્ગત દેશના ખૂણે ખૂણે આજે વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. આજે માત્ર કચ્છ જ નહીં પણ સમગ્ર દેશમાં દેશભક્તિના દર્શન થઈ રહ્યા છે. આપણી આઝાદી માટે સ્વતંત્રતા સંગ્રામમાં પ્રાણ ન્યોછાવર કરનાર શહીદો અને ક્રાંતિવીરોને સાંસદે યાદ કરીને જણાવ્યું હતું કે, દેશને મળેલી આઝાદીએ ખૂબ અમૂલ્ય છે. ક્રાંતિવીરોના બલિદાન અને સમર્પણને ભૂલવા જોઈએ નહીં. આ પ્રસંગે ધારાસભ્ય કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે, આઝાદીનું પર્વએ રાષ્ટ્રભાવના અને રાષ્ટ્રીય એકતાનું પર્વ છે. દેશ પ્રત્યે આદર્શ ભાવ રાખીને કોઈપણ અહિત ન કરવાની ભાવના રાખવી જોઇએ.
ભુજના મુખ્યમાર્ગો ઉપર તિરંગા યાત્રા ફરી
79માં સ્વતંત્રતા પર્વની ઉજવણીના એક દિવસ પૂર્વે ભુજમાં જિલ્લાકક્ષાની તિરંગા યાત્રા “હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા: સ્વતંત્રતા કા ઉત્સવ સ્વચ્છતા કે સંગની થીમ પર ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. તિરંગા યાત્રા જ્યુબિલી ગ્રાઉન્ડથી બસ સ્ટેન્ડ, ઑલ્ફ્રેડ હાઈસ્કૂલ થઈને હમીરસર તળાવ સુધી રાષ્ટ્રભક્તિના નાદ સાથે રીતે સમપન્ન થઈ હતી.
ભાતિગળ સંસ્કૃતિ સાથેનો પહેરવેશ આકર્ષણનું કેન્દ્ર
શહેરમાં નીકળેલી તિરંગા યાત્રાથી શહેરની ગલીઓ દેશભક્તિના નારાઓ અને ગીતોથી ગુંજી ઉઠી હતી. આ યાત્રામાં ભાતિગળ સંસ્કૃતિ સાથેનો પહેરવેશ સાથે દર્શન થયા હતાં. નાના ભુલકાઓએ ક્રાંતિવીરોના વાઘા ધારણ કરીને નાગરિકોને મંત્રમુગ્ધ કરી દીધા હતાં. બાળકોએ કાલીઘેલી ભાષામાં દેશ પ્રત્યેની લાગણી અને સમર્પણના નારાઓ લગાવીને વાતાવરણ રાષ્ટ્રભક્તિમય બનાવી દીધુ હતું. શહેરમાં ઘરો, વ્યવસાય સ્થાનો, જાહેર સ્થળોએ તિરંગો લહેરાવીને દેશ પ્રત્યે પ્રેમભાવ અને સમર્પણભાવની લાગણી નાગરિકો વ્યકત કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA