સુરત, 14 ઓગસ્ટ (હિ.સ.)-સુરત જિલ્લાના કડોદરામાં રહેતો અને અલથાણ વિસ્તારમાં વીઆઈપી ગેલેરીયામાં નોકરી કરતા યુવકે મુસ્લિમ હોવા છતાં પણ હિન્દુ નામ ધારણ કરી ખોટા આધારકાર્ડ બનાવ્યા હતા. એટલું જ નહીં પરંતુ તેની સાથે રહેતી યુવતીએ પણ મુસ્લિમ હોવા છતાં હિન્દુ નામ ધારણ કરી આધારકાર્ડ અને પાનકાર્ડ બનાવી લીધું હતું. આ દરમિયાન ગતરોજ બાતમીના આધારે એસ.ઓ.જી પોલીસે બંનેને ઝડપી પાડ્યા છે. પોલીસે યુવતી પાસેથી રૂપિયા 75,000 નો મુદ્દામલ જપ્ત કર્યો છે.
બનાવની વિગત એવી છે કે એસ.ઓ.જી પોલીસને બાતમી મળી હતી કે અલથાણ વિસ્તારમાં આવેલ વીઆઈપી ગેલેરીયામાં શોપ નંબર યુ જી 14માં નોકરી કરતો યુવક મુસ્લિમ હોવા છતાં તેણે હિન્દુ નામ ધારણ કરી નોકરી મેળવી છે અને તેની સાથે યુવતીએ પણ ઠગાઈ કરવાના ઇરાદા સાથે મુસ્લિમ હોવા છતાં હિન્દુ નામ ધારણ કરી બોગસ આધારકાર્ડ અને પાનકાર્ડ બનાવી લીધા છે. જે બાતમીના આધારે એસઓજી પોલીસે અલથાણ વિસ્તારમાં સંગીની સર્કલથી શ્યામ ખાટુ મંદિર તરફ જતા રોડ ઉપર મીની ગોવા જતાં ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી બંનેને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેઓની તલાસી લેતા તેમની પાસેથી આધારકાર્ડ મળી આવ્યું હતું. જો કે બંનેની કડકાઈથી પૂછપરછ કરતા તેઓ મુસ્લિમ હોવાની અને ખોટા આધારકાર્ડ બનાવી હિન્દુ નામ ધારણ કર્યું હોવાની કબુલાત કરી હતી. જેથી એસોજી પોલીસે સુલ્તાન ઉર્ફે સુનીલ મંડલ અશદુલ શેખ (રહે.ઘર નં.ફલેટ નં.503, પાંચમો માળ, અનુપમ રેસીડેન્સી, કડોદરા ચાર રસ્તા પાસે, શ્રીનિવાસ, કડોદરા, જી. સુરત) (રહે,શોપ-યુજી/14, વી.આઈ.પી ગેલેરીયા, અલથાણ), (મુળરહે.માજદીઆ ગામ, મુસ્લીમપરા, પોસ્ટ,અનુલીઆ, થાના,રાનાગઢ, જી.નોડીઆ, પશ્ચીમ બંગાળ) અને સ્મિતિ ઉર્ફે સ્વાતી પટેલ ઉર્ફે ઈશીકા સિંહ સુંદરસીંગ તામાગ (રહે.ઘર નં.ફલેટ નં.503, પાંચમો માળ, અનુપમ રેસીડેન્સી, કડોદરા ચાર રસ્તા પાસે, શ્રીનિવાસ, કડોદરા, જી.સુરત) (મુળ રહે.ઘર નં.812, શમ્શપુર ગામ, થાના, શમ્શપુર, જી.ગુડગાંવ. હરીયાણા) તથા (મુળ રહે, ઘર નં.13/6, ગલી નં.13, સી.આઈ.એસ.એફ કેમ્પ નજીક, મહીપાલપુર, પશ્ચીમ દિલ્લી) (મુળ વતન, સુંદરીજલ ગામ, થાના,મહેન્દ્રગર, જી.કાંઠમંડુ નેપાળ)ને ઝડપી પાડી અલથાણ પોલીસને સોંપ્યા છે. અલથાણ પોલીસે બંને સામે ખોટા દસ્તાવેજ બનાવવાના ગુના દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે