સુરત, 14 ઓગસ્ટ (હિ.સ.)- શહેરના વેસુ વિસ્તારમાં રહેતા વેપારીને સીરીયલ અને વેબ સીરીઝમાં કામ અપાવવાને બહાને દિલ્હીના ચાર ઠગબાજ ઈસમો ભેટી ગયા હતા. ચારેય ઈસમોએ ભેગા મળી વેપારીને પોતાના ખોટી ઓળખ આપી સીરીયલ અને વેબ સિરીઝમાં કામ આપવાની લાલચ આપી હતી. ત્યારબાદ તેમની પાસેથી ટુકડે ટુકડે કુલ રૂપિયા 1.71 કરોડ પચાવી પાડ્યા હતા અને બાદમાં ઓફિસ બંધ કરી પલાયન થઈ ગયા હતા. જેથી આખરે ભોગ બનનાર વેપારીને પોતાની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થતાં તેઓએ ગતરોજ અલથાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય ઠગબાજ ઇસમો સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
દિવસ અને દિવસે ફિલ્મ કરતા સીરીયલ અને વેબ સિરીઝ નો ક્રેઝ વધી રહ્યો છે. આજની યુવા પેઢી પણ ટીવી સ્ક્રીન પર તથા થિયેટરોની સ્ક્રીન પર ચમકવા માટે થનગની રહી છે. જેના માટે યુવા પેઢી ઘણીવાર કોઇપણ હદ સુધી જવા તૈયાર થઈ જતી હોય છે. જેથી આવા લોકોને ઠગ બાજ ઇસમો પોતાનો નિશાન બનાવતા હોય છે. યુવા પેઢીમાં સીરીયલ અને વેબ સિરીઝમાં કામ કરવાની અને પોપ્યુલર થવાની ઘેલછા વધી રહી છે. જેના કારણે તેઓ સાથે છેતરપિંડીના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. શહેરના વેસુ વિસ્તારમાં આવેલ સેલિબ્રિટી ગ્રીનમાં રહેતા 32 વર્ષીય રાહુલ માંગીલાલ રાઠોડ વેપાર ધંધો કરી પરિવારનો ગુજરાન ચલાવે છે. પરંતુ તેમને પણ સમયની સાથે સાથે સીરીયલ અને વેબ સિરીઝમાં કામ કરવાની લાલચ જાગી હતી. આવા સમયમાં વર્ષ 2022 ની અંદર દિલ્હીના અલ્કા ઠાકુર બરોનિયા, અરમાન ખાન ઉર્ફે વકાર આલમ (રહે. દીલ્લી), શિવા ઠાકુર ઉર્ફે મોહીત (રહે-દીલ્લી) અને વિવેક રાજપુત ઉર્ફે રાહુલ રોય જેના (રહે-દીલ્લી) નામના ઠગબાજ ભટકાયા હતા. આ ચારેય ઠગબાજએ પોતાની ઓરીજનલ ઓળખ છુપાવી રાહુલ સાથે છેતરપિંડી કરવાના ઇરાદા સાથે ખોટા નામ ધારણ કર્યા હતા અને ત્યારબાદ રાહુલને વિશ્વાસમાં લઈ તેમને સીરીયલ કે વેબ સિરીઝમાં કામ અપાવવાની ખાતરી આપી હતી. ત્યારબાદ 2022 ઓક્ટોબર મહિનાથી ફેબ્રુઆરી 2024 ના સમયગાળા સુધીમાં આ ચારેય ઈસમોએ ભેગા મળી રાહુલભાઈ રાઠોડ પાસેથી યુપીઆઈ, ઓનલાઈન તથા ચેક અને આંગડિયા મારફતે તથા રોકડા રૂપિયા છૂટક છૂટક મળી અત્યાર સુધીમાં કુલ રૂપિયા 1.71 કરોડ પચાવી પાડ્યા હતા. જોકે ત્યારબાદ તેઓએ વેબ સિરીઝ અને સીરીયલમાં કામ નહીં અપાવી સમય પસાર કર્યો હતો અને જવાબ આપવામાં પણ ગલ્લા તલ્લાં કર્યા હતા. જેથી આખરે રાહુલભાઈ ને તેમની ઓફિસે પહોંચી જતા તેઓએ ઓફિસ ખાલી કરી દીધી હોવાનું જાણવા મળ્યું હતું. જેથી આખરે રાહુલભાઈ ને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં તેઓએ આ મામલે અલથાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે