મહેસાણા, 15 ઓગસ્ટ (હિ.સ.)
આજ રોજ, 15 ઓગસ્ટ 2025ના રોજ, મહેસાણા જિલ્લાના જોટાણા ખાતે 79મા સ્વતંત્રતા દિવસની ઉજવણી ઉત્સાહપૂર્વક કરવામાં આવી. આ અવસરે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબના વરદ હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો. ભવ્ય તિરંગો ફરકતા જ રાષ્ટ્રગાનની ગુંજ સાથે સમગ્ર માહોલ દેશભક્તિથી ઓતપ્રોત બન્યો.
ધ્વજવંદન બાદ માનનીય અધ્યક્ષએ પોતાના સંબોધનમાં સ્વાતંત્ર્ય સંગ્રામના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી અને દેશના વિકાસમાં સૌના યોગદાનની આવશ્યકતા પર ભાર મૂક્યો. તેમણે યુવાનોને શિક્ષણ, શિસ્ત અને સેવા ભાવનાથી રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય ભૂમિકા ભજવવા પ્રેરણા આપી.
કાર્યક્રમમાં સ્થાનિક જનપ્રતિનિધિઓ, સરકારી અધિકારીઓ, ગ્રામજનો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દેશભક્તિ ગીતો, ભાષણો અને સાંસ્કૃતિક કાર્યક્રમોથી ઉજવણીને વિશેષ રંગત મળી.
અંતે મીઠાઈ વિતરણ અને પરસ્પર શુભેચ્છા સાથે કાર્યક્રમ પૂર્ણ થયો. આ રીતે જોટાણા ખાતે યોજાયેલ 79મા સ્વતંત્રતા દિવસનો ધ્વજવંદન કાર્યક્રમ રાષ્ટ્રપ્રેમ અને એકતાના સંદેશ સાથે યાદગાર બની રહ્યો.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR