પોરબંદર, 15 ઓગસ્ટ (હિ.સ.)79 માં સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં 180 થી વધુ કલાકારોએ ‘વંદન તને પોરબંદર’ની થીમ પર આધારિત રંગારંગ, સંગીતસભર મલ્ટીમીડિયા સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરી હતી.
યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પોરબંદરના માધવાણી કોલેજ ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં સમાજ માટે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સમાજસેવીઓનું શાલ, પ્રશસ્તિપત્ર અને સ્મૃતિચિહ્ન સાથે અદકેરૂ સન્માન કરવામાં આવ્યું હતું.79 માં સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં 180 થી વધુ કલાકારોએ ‘વંદન તને પોરબંદર’ની થીમ પર આધારિત રંગારંગ, સંગીતસભર મલ્ટીમીડિયા સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરી હતી.
યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પોરબંદરના માધવાણી કોલેજ ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં સમાજ માટે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સમાજસેવીઓનું શાલ, પ્રશસ્તિપત્ર અને સ્મૃતિચિહ્ન સાથે અદકેરૂ સન્માન કરવામાં આવ્યું હતું.રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આઝાદીની પૂર્વ સંધ્યાએ યોજાયેલા ‘વંદન તને પોરબંદર’ કાર્યક્રમ પૂર્વે અધ્યક્ષીય સંબોધન કરતાં જણાવ્યું હતું કે, આઝાદીનું સ્વાતંત્ર્ય પર્વ એ ભારત દેશની આઝાદી માટે ખપી જનારા વીરોને યાદ કરવાનો અવસર છે. આ વીરોએ દેશને આત્મનિર્ભર બનાવવાની જે કલ્પના કરી હતી, તે દિશામાં આગળ વધવા માટે નાગરિકોએ સ્વદેશીના આગ્રહ સાથે સશક્ત રાષ્ટ્રના નિર્માણ માટે કટિબદ્ધ બનવું એ આજના સમયની નિતાંત આવશ્યકતા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ ધ્યેયમંત્રને આગળ વધારતાં આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે દેશને ફરી વિશ્વગુરૂ બનાવવાની દિશામાં કાર્ય કરી રહ્યાં છે. તેમણે 11 વર્ષમાં કરેલા વિકાસકાર્યોને કારણે આજે સમગ્ર વિશ્વમાં ભારતની વિશેષ નોંધ લેવાઈ રહી છે. ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા ભારતે દુશ્મન દેશના દાંત ખાટાં કરીને ભારતની લશ્કરી તાકાતનો પરચો બતાવ્યો છે. વિશ્વ આજે ભારતની પ્રગતિ અને વિકાસથી અચંબિત છે. આપણે એકતા અને સામર્થ્યની તાકાત સાથે આગળ વધીશું તો દેશ આપોઆપ આગળ વધશે.
રાજ્યપાલએ જણાવ્યું કે, દેશમાં આજે ચહુમુખી વિકાસ થઈ રહ્યો છે, આ વિકાસ મહાત્મા ગાંધીજીના સ્વદેશી અને આત્મનિર્ભર તેમજ સ્વાવલંબનના વિચારોને ધ્યાનમાં રાખીને થઈ રહ્યો છે. આપણે સ્વદેશી વસ્તુઓનો જ ઉપયોગ કરવો જોઈએ. જે ઉત્પાદનમાં આપણા દેશના લોકોનો પરસેવો વહ્યો છે, એ ઉત્પાદન જ ખરીદવું જોઈએ. આપણા દેશનો રૂપિયો બહાર ન જવો જોઈએ, એ જ ક્રાંતિકારીઓને આ અવસરે ખરી શ્રદ્ધાંજલિ છે. દરેક ભારતીયોમાં આ રાષ્ટ્રીય ભાવના ઉત્પન્ન થશે, તો ચોક્કસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું વિકસિત ભારતનો સંકલ્પ સાકાર થશે.
તેમણે વધુમાં જણાવ્યું કે, જે દેશની જનતા પોતાના રાષ્ટ્ર પ્રત્યે ગર્વનો અનુભવ કરે છે, સાંસ્કૃતિક મૂલ્યો અપનાવે છે, તેની વિરાસત, ખાનપાન અને આધ્યાત્મિકતા આધારિત જીવનશૈલી અપનાવે તે દેશ ચોક્કસ વિકાસ સાધે છે.
પોરબંદર પ્રાચીન નગર છે અને કૃષ્ણસખા સુદામાની ભૂમિ છે. પોરબંદરના લોકો શાંત અને સંતોષી છે. આ જિલ્લામાં ગાંધીજી જેવા મહાન વ્યક્તિએ જન્મ લીધો અને હાલ પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા આ શહેરની પ્રતિષ્ઠા અને સન્માન સમગ્ર વિશ્વમાં વધારી રહ્યાં છે. જેથી પહેલા પણ આ નગરી આધ્યાત્મિક ક્ષેત્રે પ્રતિષ્ઠિત હતી અને હજુ પણ છે.આપણે ક્રાંતિકારીઓના સંતાનો છીએ અને આધ્યાત્મિક ગુરુઓના શિષ્ય છીએ. રાષ્ટ્રને આગળ વધારવામાં કર્તવ્ય, ઈમાનદારી અને મહેનત સાથે આપણે કાર્ય કરીશું તો પરિવાર, સમાજ અને દેશને પણ આગળ વધારવામાં સહભાગી બની શકીશું.રાજ્યપાલએ વધુમાં જણાવ્યું કે, આપણે આપણાં સંતાનોમાં શિક્ષણ સાથે સારા સંસ્કારોનું સિંચન કરી, તેમને વ્યસનમુક્ત રાખીશું તો તે દેશની પ્રગતિમાં આપણું અમુલ્ય યોગદાન રહેશે. તેમણે ‘એક પેડ મા કે નામ’ અને પ્રાકૃતિક કૃષિ અભિયાનનો ઉલ્લેખ કરીને સ્વતંત્રતા અવસરે પર્યાવરણ રક્ષણ માટે કટિબદ્ધ થવા માટે આહ્વાન કર્યું હતું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 79મા સ્વાતંત્ર્યપર્વની શુભકામના આપતા જણાવ્યું હતું કે, પોરબંદરનું દેશની આઝાદીમાં અમૂલ્ય યોગદાન રહ્યું છે. પોરબંદરના પનોતા પુત્ર ગાંધીજી, છગન ખેરાજ વર્મા અને સુભાષચંદ્ર બોઝના સાથી રહેલા લક્ષ્મીદાસ દાણીનું ભારતની આઝાદીમાં અમૂલ્ય યોગદાન થયું છે. પોરબંદર શહેરે મોહન(કૃષ્ણ) અને મોહન (ગાંધીજી)ની વિરાસત આપી છે. જાણીતા ભાગવત કથાકાર ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ પોરબંદરની કિર્તીને દેશ-દેશાવર સુધી પહોંચાડી છે. પોરબંદરના જાણીતા શ્રેષ્ઠી નાનજી કાલિદાસ મહેતાએ ભારતમંદિર, કિર્તીમંદિર, શ્રી રામકૃષ્ણમિશન સહિતની ભેટ આપી છે. વિદેશની ધરતી પરની છગન ખેરાજ વર્માની લડત હોય કે મણિયારો રાસ હોય, પોરબંદરે હંમેશા શૌર્ય અને ખમીરના દર્શન કરાવ્યાં છે.
પોરબંદર શ્રી કૃષ્ણના સખા સુદામાની ભૂમિ તરીકે પણ જાણીતું છે. તો જાણીતી ક્રિકેટ કોચિંગ સ્કૂલ ‘ધ દુલિપ સ્કૂલ અહીનું ગૌરવ છે. પોરબંદરની સ્થાપનાને 1036 વર્ષ થયા છે. તાજેતરમાં પોરબંદર વાસીઓએ તેની ઉજવણી પણ કરી છે. દરિયો, ઘેડ અને અને બરડા ડુંગરની પ્રકૃતિથી શોભાયમાન આ ધરતી આદ્યાત્મિક વિરાસતને સંકોરીને બેઠી છે, તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી માધવપુરમાં રૂક્મિણી અને શ્રીકૃષ્ણના વિવાહની સ્મૃતિમાં યોજાતા મેળાએ રાષ્ટ્રીય કક્ષાના મેળા તરીકેની પ્રખ્યાતી મેળવી છે. રૂક્મિણી અને શ્રીકૃષ્ણનો મિલાપને દર્શાવતો આ મેળો એ પશ્ચિમ અને ઉત્તરપૂર્વના રાજ્યોને જોડવાનો પ્રયાસ છે. વડાપ્રધાનની ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની વિભાવનાને સાકાર કરે છે.મુખ્યમંત્રીએ જણાવ્યું કે, દેશના ભાગલા એ ભારતના ઈતિહાસમાં ક્યારેય ન ભૂલી શકાય તેવી ઘટના છે. એ સમયના કપરા સંઘર્ષથી આવનારી પેઢી માહિતગાર રહે એ માટે 14 ઓગસ્ટ ‘વિભાજન વિભિષિકા દિન’ તરીકે ઉજવવામાં આવે છે. આ ઉજવણી વૈમનસ્ય ભૂલી માનવીય સંવેદનાને મજબૂત કરવા માટે ઉપયુક્ત બની રહેશે.
પોરબંદર શહેર વર્ષ 2006 માં ‘ગુજરાત ગૌરવ દિન’ની ઉજવણી બાદ 19 વર્ષ પછી પહેલીવાર રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણીનું સાક્ષી બન્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૫મી ઓગસ્ટ જેવા રાષ્ટ્રીય તહેવારોની બીબાઢાળ અને સરકારી ઉજવણી કરવાને બદલે વિકાસ ઉત્સવ તરીકે ઉજવવાની પ્રેરણા આપી છે.જન-જનમાં રાષ્ટ્ર ચેતના જગાવવા અને સ્વયંભૂ જાગૃતિ લાવવા માટે રાજ્યભરમાં ‘હર ઘર તિરંગા’ અને ‘હર ઘર સ્વચ્છતા’ અભિયાન પણ લોકભાગીદારીથી ઉજવવામાં આવ્યું છે. ‘સૌના સાથ, સૌના વિકાસ અને સૌના વિશ્વાસ’ના મંત્રથી આપણે આગળ વધવું છે. તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.મુખ્યમંત્રીએ ગૌરવભેર જણાવ્યું હતું કે, પોરબંદર માટે 2025નું વર્ષ ગૌરવશાળી બની રહ્યું છે. આ વર્ષે પોરબંદરને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે તેમજ સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ જિલ્લાને રૂ. 174 કરોડથી વધુના વિકાસકામોની ભેટ મળી છે. મોકરસાગર જળાશયને પ્રવાસન સ્થળ તરીકે રૂ.200 કરોડના ખર્ચે વિકસાવવામાં આવી રહ્યું છે.
ચોપાટી અને કિર્તીમંદિર વચ્ચે રૂ.50 કરોડના ખર્ચે વિકાસકાર્યોનો પ્લાન બનાવ્યો છે. છેલ્લા એક વર્ષમાં પોરબંદર જિલ્લાને રૂ. 663 કરોડના વિકાસકાર્યોની ભેટ મળી છે. રૂ. 45 કરોડના ખર્ચે એરપોર્ટના રન વેની લંબાઈ વધારવાની જોગવાઈ કરવામાં આવી છે. પૂર અને ખારાશની સમસ્યા નિવારવા રૂ. 1500 કરોડથી વધુના પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્ર સરકારે રાણાવાવ ખાતે વંદે ભારત ટ્રેનના ઈન્ટિગ્રેટેડ કોચ ડેપોની મંજૂરી આપી છે. જેનાથી ઉદ્યોગ અને રોજગારી સર્જનને વેગ મળશે. વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત બનવા માટે વિકસિત ગુજરાત તરીકે આપણે અગ્રેસર રહેવાનું છે. એ માટે આ જોગવાઈઓ નવી ચેતના જગાવનારી બની રહેશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રીએ સ્વતંત્રતા પર્વે જે-તે જિલ્લાને વિકાસકાર્યો માટે ફાળવવામાં આવતા અનુદાન અંતર્ગત રૂ.7.50 કરોડની વિકાસગ્રાન્ટ ફાળવી હતી. જેમાં મહાનગરપાલિકાને રૂ.2.50 કરોડ અને ગ્રામ્ય વિકાસ માટે રૂ.2.50 કરોડનો સમાવેશ થાય છે.
આમ, મહાત્મા ગાંધીની જન્મભૂમિ અને પોરબંદરના સર્વાંગી વિકાસથી ‘વિકાસ ભી, વિરાસત ભી’નો મંત્ર સાકાર કરવો છે. તેમ જણાવી મુખ્યમંત્રીએ સુદામાપુરીના આંગણે યોજાઈ રહેલા ૭૯માં સ્વાતંત્ર્યપર્વની ઉજવણીની શુભકામના પાઠવી હતી.
મલ્ટીમીડિયા સાંસ્કૃતિક કાર્યક્રમ “વંદન તને પોરબંદર અંતર્ગત કલાકારોએ ગણેશ વંદના નૃત્ય, સૌરાષ્ટ્રના લોકવાદ્ય સંગીતની પ્રસ્તુતિ, દુહાઓ જેવી સાંસ્કૃતિક કૃતિઓ તેમજ કથ્થક, ભરતનાટ્યમ્ સહિત દેશભક્તિસભર નૃત્યો રજૂ કરવામાં આવ્યાં હતાં.
આ કાર્યક્રમમાં મંચ પરથી પોરબંદરનો ગૌરવશાળી ઈતિહાસ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં નાટ્યાંશ દ્વારા સાંપ્રત સમયમાં પરત ફરેલા ગાંધીજીની કૃતિ વર્ણવામાં આવી હતી. આ ઉપરાંત, નૃત્ય રચના તેમજ લોકનૃત્ય પ્રસ્તુતિના માધ્યમથી ‘ઓપરેશન સિંદૂર’ થકી સૈનિકોની શૌર્યભરી વીરતા રજૂ કરવામાં આવી હતી.પૂજ્ય ગાંધીજી અને કૃષ્ણસખા સુદામાની જન્મભૂમિ પરથી રજૂ કરાયેલા આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગાંધી રાસ, મીઠાનો સત્યાગ્રહ, હિન્દ છોડો આંદોલન, બ્રિટીશરો દ્વારા અત્યાચાર, ગાંધીજી અને તેમના સત્યાગ્રહની વાત પણ રજૂ કરવામાં આવી હતી.દ્વારકામાં કૃષ્ણ-સુદામા મિલનનો પ્રસંગ અને સ્વચ્છતાનો સંદેશ આપતું નાટક, માધવપુરના દરિયાની વૈશ્વિક ઓળખ દર્શાવતી નાટ્યાંશ કૃતિ, કૃષ્ણ-રૂક્મિણીનો લગ્ન પ્રસંગ તથા રાજા નટવરસિંહજી, લોકચેતનાની જાગૃતિ નાટ્યાંશ છગન ખેરાજ વર્મા, શેઠ દુર્ગાદાસની સખાવતનો પ્રસંગ, કીર્તિમંદિર બાંધનાર નાનજી કાલિદાસ મહેતાનો પ્રસંગ, વીર સપૂત નાગાજણ સિસોદિયાની શહાદતનો પ્રસંગ, પોરબંદરનું પ્રખ્યાત ઢાલ તલવાર નૃત્ય, ખમીરવંતા ખારવા સમાજનું ગીત સહિતની પ્રસ્તુતિઓ સંગીતમઢ્યા તાલે રજૂ કરવામાં આવી હતી.આ તકે મહાનુભાવોના હસ્તે પોરબંદર જિલ્લાના પ્રવાસન અને દાર્શનિક સ્થળો દર્શાવતી કોફી ટેબલ બુક ‘પોરબંદર પરિવર્તનના પંથે’નું વિમોચન કરાયું હતું.
આ તકે, પોરબંદરના સાંસદ અને કેન્દ્રિય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ મહાત્મા ગાંધીજી સહિત આઝાદીનાં લડવૈયાઓને યાદ કરી પોરબંદરની નામના વધારનાર સન્માનિત સમાજશ્રેષ્ઠીઓને શુભકામનાઓ પાઠવી હતી. કેન્દ્રિય મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, દેશ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે, આઝાદીનાં અમૃતકાળમાં કઠોર પરિશ્રમ કરી દેશને વિકસિત બનાવવાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંકલ્પ છે. જેને રાષ્ટ્ર પ્રથમનો ભાવ જગાવી, આગળ વધારી ભારત દેશને વિકસિત બનાવવા કટિબદ્ધ બનવા તેમણે આહવાન કર્યું હતું.
ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાએ પોરબંદર શહેરને અનેક વિકાસકાર્યોની ભેટ આપવા માટે મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. આવનારા દિવસોમાં 1 લાખ કરોડના ખર્ચે ત્રણ એક્સપ્રેસ વે સહિત અનેક વિકાસના કાર્યો હાથ ધરાવાના છે તેની ટૂંકી વાત તેમણે કરી હતી.આ સમારોહમાં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા, જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમાર, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા, મુખ્ય સચિવ પંકજ જોશી, અધિક મુખ્ય સચિવ સુનયના તોમર, અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ, રાજ્ય પોલીસવડા વિકાસ સહાય, પૂર્વ મંત્રી બાબુભાઈ બોખીરીયા, કલેક્ટર એસ.ડી.ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી બી.બી.ચૌધરી, મ્યુનિસિપલ કમિશનર પ્રજાપતિ, જિલ્લા પોલીસવડા ભગીરથસિંહ જાડેજા, અગ્રણી ચેતનાબહેન તિવારી, પ્રદિપભાઈ ખીમાણી, રણજીતકુમાર સમાજના ગણમાન્ય અને પ્રતિષ્ઠિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya