અમરેલી, 15 ઓગસ્ટ (હિ.સ.) આજરોજ અમરેલી જિલ્લા ભાજપ દ્વારા “વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ” નિમિત્તે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મુખ્ય વક્તા તરીકે માનસિંગભાઈ પરમારની પ્રેરક ઉપસ્થિતિ રહી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો, કાર્યકરો તેમજ સ્થાનિક નાગરિકોએ સહભાગી બની દેશના વિભાજન સમયે થયેલી દુઃખદ ઘટના અને તેના પીડિતોને શ્રદ્ધાંજલિ અર્પી.
માનસિંગભાઈ પરમારે પોતાના સંબોધનમાં ૧૯૪૭ના વિભાજન દરમિયાન લાખો લોકો પર આવેલા સંકટ, બલિદાન અને સ્થળાંતરની વ્યથા વિશે વિગતવાર પ્રકાશ પાડ્યો. તેમણે એ પણ જણાવ્યું કે આ દિવસ આપણને રાષ્ટ્રની એકતા, સહિષ્ણુતા અને ભાઈચારો જાળવવા પ્રેરણા આપે છે.
કાર્યક્રમ દરમિયાન પીડિતોના સન્માનમાં મૌન પાળવામાં આવ્યું અને સૌએ દેશની અખંડ એકતા માટે કાર્ય કરવાનો સંકલ્પ લીધો. ભાજપના આગેવાનો દ્વારા જણાવ્યું કે ઇતિહાસના આ દુઃખદ પાઠમાંથી દેશને વધુ મજબૂત બનાવવા માટે સૌએ એકતા અને સમરસતાનો માર્ગ અપનાવવો જોઈએ.
અંતે “વંદે માતરમ”ના સ્વરો અને દેશપ્રેમના નાદ સાથે કાર્યક્રમ પૂર્ણ થયો.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai