-યોગા વિથ ડાન્સમાં બીજો ક્રમ મેળવી સિદ્ધિ હાસલ કરી હતી
-વિદ્યાર્થિનીઓએ કલાત્મકતા, શારીરિક લવચીકતા અને સંદેશાત્મક અભિવ્યક્તિનો સુંદર સમન્વય કર્યો
-વિદ્યાર્થિનીઓની સતત મહેનત, સંયમ અને ટીમવર્ક છે આ સિદ્ધિએ કોલેજનું ગૌરવ વધાર્યું
ભરૂચ 15 ઓગસ્ટ (હિ.સ.) શ્રી રંગ નવચેતન મહિલા આર્ટ્સ કોલેજે વાલિયામાં જિલ્લા કક્ષાની સ્વતંત્રતા દિવસ ઉજવણીમાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં મહિલા સશક્તિકરણ પર યોગા વિથ ડાન્સમાં બીજો ક્રમ મેળવી સિદ્ધિ હાસલ કરી હતી.
15મી ઓગસ્ટ,2025ના સ્વતંત્રતા દિવસ પર્વ નિમિત્તે વાલિયામાં જિલ્લા કક્ષાએ આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં શ્રી રંગ નવચેતન મહિલા આર્ટ્સ કોલેજની વિદ્યાર્થિનીઓએ “મહિલા સશક્તિકરણ” વિષય પર અનોખી યોગા સાથે ડાન્સ પ્રસ્તુતિ આપી સૌનું મન મોહી લીધું હતું કોલેજે બીજો ક્રમ પ્રાપ્ત કરી રાજ્યના વન મંત્રી મુકેશ પટેલના વરદ હસ્તે વીજેતા ટ્રોફી અને ઇનામ પ્રાપ્ત કર્યા હતા.દેશપ્રેમ, સાંસ્કૃતિક પરંપરા અને સર્જનાત્મકતાનું સુંદર સંયોજન રજૂ કરતી આ પ્રસ્તુતિને ઉપસ્થિત મહાનુભાવો તથા જજિસ તરફથી તેમજ ઓડિયન્સ તરફથી વિશેષ પ્રશંસા મળી હતી. ઇન્ચાર્જ આચાર્યા નિયતિબેન ભટ્ટે જણાવ્યું કે, “વિદ્યાર્થિનીઓએ કલાત્મકતા, શારીરિક લવચીકતા અને સંદેશાત્મક અભિવ્યક્તિનો સુંદર સમન્વય કરી મહિલા સશક્તિકરણનો શક્તિશાળી સંદેશ આપ્યો છે.”
આ કૃતિમાં માર્ગદર્શન આપનાર કન્વીનર્સ પ્રો.ભાવનાબેન ગોથાણા,પ્રા. સોનલબેન, પ્રા. પારૂલબેન અને પ્રા.ભારતીબેને સંયુક્ત નિવેદનમાં જણાવ્યું કે, “આ પ્રસ્તુતિ પાછળ વિદ્યાર્થિનીઓની સતત મહેનત, સંયમ અને ટીમવર્ક છે. આ સિદ્ધિએ કોલેજનું ગૌરવ વધાર્યું છે.”
કોલેજ તરફથી વિજેતા તથા ભાગ લેનાર વિદ્યાર્થિનીઓને કોલેજના ટ્રસ્ટી મંડળે પણ હાર્દિક અભિનંદન તથા શુભેચ્છાઓ પાઠવવામાં આવી. તેમણે જણાવ્યું કે આવનારા સમયમાં પણ સાંસ્કૃતિક તથા સામાજિક સંદેશ આપતા કાર્યક્રમોમાં સક્રિય ભાગ લેતા રહીશુ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ