ભુજ - કચ્છ, 15 ઓગસ્ટ (હિ.સ.) અબડાસાના સાગરકાંઠે કન્ટેઇનર્સ ટેન્ક તણાઈ આવવાનો સિલસિલો અવિરત ચાલુ રહ્યો હોય તેમ ગુરુવારે અલગ- અલગ કાંઠે ત્રણ જેટલા કન્ટેનર ટેન્ક તણાઈ આવી હતી. કસ્ટમ, કોસ્ટગાર્ડ, મરીન પોલીસ સહિતની એજન્સીઓ તપાસમાં જોડાઇ છે.
અગાઉ કન્ટેઇનર્સ હજુ દરિયાઈ પાણીમાં
અબડાસાના કમંડ, સુથરી અને ખુવડાના દરિયાઈ વિસ્તારના કાંઠે ત્રણ કન્ટેનર દરિયાઈ ભરતી સમય તણાઈને આવ્યા હતા. એક સપ્તાહમાં સાત કન્ટેનર ટેન્ક મળી આવી છે. જો કે, અગાઉ કન્ટેનર મળી આવ્યા છે તે હજુ દરિયાઈ પાણીમાં જ પડ્યા રહ્યા છે, જેને બહાર કાઢવા સુરક્ષા એજન્સીઓ માટે મોટો પડકાર છે. સ્થળ પર મોટી ક્રેન કે મશીનરી પહોંચી શકે તેમ ન હોવાથી કાંઠે જ પડ્યા રહ્યા છે. જો કે, તેની સુરક્ષા માટે બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
ઓમાનના દરિયામાં જહાજની જળસમાધિના કન્ટેઇનર્સ
અરબસાગર આંતરરાષ્ટ્રીય જહાજોનો માર્ગ હોવાથી મોટી માત્રામાં જહાજોની ટ્રાફિક અને આવનજાવન રહેતી હોય છે, જે ઓમાન, દુબઈ અને ગલ્ફ દેશો અને ખાડી દેશોને જોડતો દરિયાઈ માર્ગ છે. જૂન મહિનામાં ઓમાન પાસે એક જહાજે દરિયામાં જળસમાધિ લીધી હતી, તેવા જહાજમાંથી છૂટા પડીને ભારતીય જળસીમામાં આવા કન્ટેઇનર્સ તણાઈ આવતા હોય તેવું અનુમાન પણ એજન્સીઓ લગાવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA