રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલના હસ્તે ધ્વજવંદન કરી ધ્વજને સલામી આપી હતી
ભરૂચ, 15 ઓગસ્ટ (હિ.સ.): ભારતભરમાં 79મા સ્વાતંત્ર્ય પર્વની હર્ષભેર ઉજવણી કરાઈ રહી છે.જિલ્લા કક્ષાના કાર્યક્રમની ઉજવણી વાલિયા તાલુકામાં આવેલા સીતારામ સેવા ટ્રસ્ટના હોસ્પિટલના ગ્રાઉન્ડમાં કરાઈ હતી. જેમાં રાજ્યના વન અને પર્યાવરણ,કલાઈમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણીપુરવઠા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. આ સ્વાતંત્ર પર્વમાં ઉપસ્થિત ગણવેશધારી પોલીસ દળના જવાનો આન,બાન અને શાન સાથે લહેરાતા તિરંગાને સલામી આપી રાષ્ટ્રગીતની સૂરાવલીઓ સાથે સલામી આપી હતી.
આ પ્રસંગે જિલ્લામાં ઘણા ક્ષેત્રમાં નોંધપાત્ર સિધ્ધી મેળનાર જિલ્લાના શ્રેષ્ઠીઓ તેમજ શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન તથા અભિવાદન મંત્રી મુકેશ પટેલ અને મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.આ અવસરે શાળાના બાળકો દ્વારા યોગ નિદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.મંત્રી મુકેશ પટેલ 79 માં સ્વાતંત્ર પર્વની જિલ્લાને દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.ત્યારબાદ તેમણે તેમના પ્રવચનમાં આઝાદીના દિવસોને યાદ કરી આજે દેશના થઈ રહેલા વિકાસ અને સિદ્ધિઓ અંગે લોકોને માહિતગાર કર્યાં હતા.
કાર્યક્રમમાં મંત્રીના હસ્તે વૃક્ષારોપણ પણ કરાયું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા, ઇન્ચાર્જ એસપી અજય મીણા, સાંસદ મનસુખ વસાવા,ધારાસભ્ય રિતેશ વસાવા,વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસિયા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, આરડીસી એન આર ધાંધલ, વાલિયા તાલુકા પંચાયત પ્રમુખ સીતા વસાવા, સરપંચ સોમી વસાવા તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ