જામનગર ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ગૌરવપૂર્ણ ઉજવણી કરાઈ
જામનગર, 15 ઓગસ્ટ (હિ.સ.): જામનગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 79મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય અને ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે ઉપસ્થિત રહ
ધ્વજવંદન


જામનગર, 15 ઓગસ્ટ (હિ.સ.): જામનગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 79મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય અને ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે ઉપસ્થિત રહી રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી ઝીલી હતી.

મંત્રી રાઘવજીભાઈ પટેલે પોતાના ઉદબોધનમાં સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાન અને દેશ માટેના સમર્પણને યાદ કર્યા હતા અને દેશના વિકાસમાં સૌ નાગરિકોને સહભાગી થવા આહ્વાન કરતા જણાવ્યું હતું કે આ ભૂમિ જ્યાં મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, અને શ્યામજી કૃષ્ણ વર્મા જેવા મહાન લોકસેવકો અને ક્રાંતિકારીઓ જન્મ્યા, એ જ ગુજરાત આજે વિકાસની નવી ઊંચાઈઓને સ્પર્શીને દેશનું ગૌરવ વધારી રહ્યું છે. આઝાદીના સંગ્રામમાં શૌર્યભર્યો ઇતિહાસ ધરાવતું આપણું ગુજરાત હવે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ‘વિકસિત ભારત’ના નિર્માણમાં અગ્રીમ ભૂમિકા ભજવી રહ્યું છે. વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ દેશ અને દુનિયા આજે ગુજરાતના વિકાસની અવિરત યાત્રાથી પ્રભાવિત છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ કર્યો છે. આ સંકલ્પને સાકાર કરવા માટે ગુજરાત પ્રતિબદ્ધ છે. આપણે સૌએ ભલે આઝાદીના આંદોલનમાં સીધું યોગદાન ન આપ્યું હોય, પરંતુ શહીદોના સપનાનું ભારત બનાવવા માટે વિકસિત ભારત અભિયાનમાં આપણે સૌ જરૂર જોડાઈ શકીએ છીએ.

મંત્રી રાઘવજીભાઈ પટેલે વધુમાં જણાવ્યું કે તાજેતરમાં ઓપરેશન સિંદૂર જેવી રાષ્ટ્રીય સુરક્ષાની મહત્વપૂર્ણ કામગીરીમાં જામનગર સહિત ગુજરાતના ૧૮ જિલ્લાઓમાં યોજાયેલ સિવિલ ડિફેન્સ મોકડ્રિલના આયોજનમા નાગરિકોનો અભૂતપૂર્વ સહયોગ મળ્યો. આ ઓપરેશને આતંકવાદ સામે ભારતની ‘ઝીરો ટોલરન્સ’ નીતિને વધુ મજબૂત બનાવી છે.

શિક્ષણ ક્ષેત્રે, શાળા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમોના કારણે બાળકોનો શાળા છોડવાનો દર ૩૫% થી ઘટીને ૧% થી પણ ઓછો થઈ ગયો છે.જામનગરની ૩૪૩ શાળાઓને 'સ્કૂલ ઓફ એક્સલન્સ' માં આવરી લેવામાં આવી છે, જે ભવિષ્યના ઘડતર માટે એક મજબૂત પાયો પૂરો પાડી રહી છે.આર્થિક ક્ષેત્રે, ગુજરાત સરકારે આ વર્ષે રૂ. ૩,૩૨,૪૬૫ કરોડનું બજેટ મંજૂર કર્યું છે, જેમાં GYAN અર્થાત ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિના ઉત્કર્ષ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. રાજ્યમાં ૧૨,૭૭૯થી વધુ સ્ટાર્ટઅપ નોંધાયેલા છે, જે દર્શાવે છે કે આપણા યુવાનો ઉદ્યોગસાહસિકતાના માર્ગે અગ્રેસર છે.

રમતગમત ક્ષેત્રે ૨૦૩૬ના ઓલિમ્પિક્સની યજમાની માટેની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.

જામનગરમાં યોજાયેલા ખેલ મહાકુંભ ૩.૦માં ૧.૧૬ લાખથી વધુ ખેલાડીઓએ ભાગ લીધો, જે ખેલકૂદ પ્રત્યેના આપણા ઉત્સાહને પ્રતિબિંબિત કરે છે. આજે પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના હેઠળ ૭૦ વર્ષથી વધુ ઉંમરના ૨.૬૭ કરોડ નાગરિકોને કેશલેસ સારવાર આપવામાં આવી રહી છે. કૃષિ ક્ષેત્રે, કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ગુજરાતના ૫૨.૧૬ લાખથી વધુ ખેડૂતોને સહાય મળી છે. જામનગરમાં ૭,૧૯૪થી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ અપનાવી છે, જે પ્રકૃતિ-કેન્દ્રીય વિકાસનું ઉત્તમ ઉદાહરણ છે.

રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં પોલીસ, હોમગાર્ડ, એસ.પી.સી., એન.સી.સી., ડોગ યુનિટ તથા માઉન્ટેડ યુનિટ દ્વારા રજૂ કરાયેલ શિસ્તબદ્ધ પરેડ તેમજ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિની ભાવનાને ઉજાગર કરતા અવનવા સાંસ્કૃતિક કાર્યક્રમોએ ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.

આ પ્રસંગે રાજ્ય સરકાર દ્વારા જામનગર જિલ્લાના વિકાસ કાર્યો માટે જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરને રૂ.25 લાખનો ચેક ફાળવવામાં આવ્યો હતો. સાથે જ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ સિદ્ધિઓ મેળવનાર સંસ્થાઓ અને વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત, પર્યાવરણની સુરક્ષાના સંદેશ સાથે મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, પૂર્વ રાજ્ય મંત્રી વસુબેન ત્રિવેદી, હાપા માર્કેટિંગ યાર્ડના ચેરમેન મુકુંદભાઈ સભાયા, મદદનીશ કલેક્ટર અદિતિ વાર્ષને સહિત અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande