અક્ષરફાર્મમાં બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના સાનિધ્યમાં ધ્વજવંદન સમારોહની રાષ્ટ્રભક્તિ સાથે ઉજવણી
ગાંધીનગર, 15 ઓગસ્ટ (હિ.સ.) : તા.૧૫ ઓગષ્ટ, ૨૦૨૫ બી.એ.પી.એસ. અક્ષરફાર્મ આણંદમાં ભારતનો ૭૯મો સ્વતંત્રતા દિવસ દેશભક્તિ સાથે મનાવવામાં આવ્યો. BAPS સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક ગુરુ અને પ્રમુખ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં, ચરોતર પ્રદેશ ઉપરાંત અન્ય જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં આવેલા ભક્તોએ રાષ્ટ્રના આ આઝાદીના ઉત્સવમાં ભાગ લીધો. આ પ્રસંગે સમગ્ર અક્ષરફાર્મ પરિસર રાષ્ટ્રભક્તિમય બની ગયું અને ભારત માતાના જયના નારા સાથે ગુંજી ઊઠ્યું.
આ કાર્યક્રમની શરૂઆત પ્રભુસ્મરણ અને પ્રાર્થના સાથે થઈ. ત્યારબાદ BAPSના બાળ અને યુવા મંડળે સાંસ્કૃતિક અને રાષ્ટ્રભક્તિનાં કીર્તનો ગાઈને અક્ષરફાર્મ પરિસરના વાતાવરણને ઓજસ્વી બનાવી દીધું. આજની વિશેષ સ્વતંત્રતા દિવસની પરેડમાં સુરક્ષા વિભાગના સ્વયંસેવકોએ ભાગ લીધો. બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજે અક્ષરફાર્મ પરિસરમાં ભારતીય રાષ્ટ્રીય ધ્વજ લહેરાવ્યો અને દેશની આઝાદી માટે પોતાનો બલિદાન આપનાર સ્વતંત્રતા સેનાનીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. ત્યારબાદ રાષ્ટ્રગાન સાથે ધ્વજને સલામી આપવામાં આવી.
૯૨ વર્ષની વયે પણ મહંતસ્વામી મહારાજે રાષ્ટ્રગાન કર્યા બાદ તિરંગાને સલામી આપીને સમગ્ર રાષ્ટ્રને નાગરિક કર્તવ્યનો બોધ આપ્યો.
આગળ BAPSના વરિષ્ઠ સંત આદર્શજીવનદાસ સ્વામીએ તેમના પ્રવચનમાં ભારતના સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન બલિદાન આપનાર સ્વતંત્રતા સેનાનીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને કહ્યું, “આજે આપણી ફરજ છે કે દેશની ગૌરવશાળી વિરાસતને સાચવીએ. જીવનમાં સદાચાર લાવીએ એ જ સાચી સ્વતંત્રતા છે.”
ત્યારબાદ, પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજે પ્રાતઃ પૂજામાં ઠાકોરજીને ભારત દેશના વિકાસ માટે અને ભારતની શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ