સુરત, 15 ઓગસ્ટ (હિ.સ.)-સ્વાતંત્ર્ય પર્વના અવસરે ઝંખવાવ રેન્જના વન વિભાગના કર્મચારી હિતેશકુમાર માળીને વન્યજીવ રક્ષણ, વૃક્ષોના વાવેતર, ઉછેર અને જંગલ સંરક્ષણમાં તેમના છેલ્લાં આઠ વર્ષના અવિરત અને સમર્પિત યોગદાન બદલ પલસાણા તાલુકાના એના ગામે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.
વનરક્ષક ઝંખવાવ રેન્જ વાંકલ સુરત વન વિભાગમાં ફરજ નિભાવતા વનસંરક્ષક હિતેશકુમાર માળીએ કહ્યું હતું કે, સ્વાતંત્ર્ય પર્વ પર મળેલું સન્માન એ પ્રકૃતિના સંરક્ષણ માટેની સેવા ભાવનાનું સન્માન છે. વન્યજીવોની રક્ષા એ આપણે પોતાના કુદરતી વારસાની રક્ષા છે. પ્રકૃતિ સાથે સમન્વય રાખીશું તો પ્રાણી, પક્ષીઓ, વન્યજીવોની આઝાદી સુનિશ્ચિત થશે.
છેલ્લા આઠ વર્ષથી તેઓ વન્યજીવોના રક્ષણ, દિપડાથી લઈને નાની-મોટી અનેક જાતિના પ્રાણીઓનું રેસ્ક્યૂ, સારવાર અને ફરીથી જંગલમાં મુક્તિ, માનવ વસાહતોમાં ઘૂસેલ દિપડાઓને ‘હ્યુમન-એનિમલ કોન્ફ્લિક્ટ’ જેવી પરિસ્થિતિઓમાં લોકોમાં જાગૃતિ, કૃત્રિમ અવાડાઓ (પાણીના હૌજ) બનાવવા, ૩ દિપડાનું કુવામાંથી રેસ્ક્યૂ, વૃક્ષારોપણ અને ઉછેર, જંગલમાં ખેડાણ, લાકડાની તસ્કરી અને જંગલમાં આગ જેવી ઘટનાઓ અટકાવવા માટે સતત પેટ્રોલિંગ માટે અવિરતપણે કાર્યરત છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે