પોરબંદર, 15 ઓગસ્ટ (હિ.સ.): રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 79 મા સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ પોરબંદર જિલ્લાની 12 વિશિષ્ટ નાગરિક પ્રતિભાઓને શાલ, સ્મૃતિચિન્હ અને પ્રશસ્તિપત્ર અર્પણ કરી સન્માનિત કરી હતી.
આ 12 પ્રતિષ્ઠિત મહાનુભાવોમાં પોરબંદરના જાણીતા ઇતિહાસવિદ નરોત્તમભાઈ પલાણ, વિજ્ઞાન સામયિક સફારીના નગેન્દ્ર વિજય, મણિયારા રાસની દેશભરમાં ખ્યાતિ વધારનાર રાણાભાઇ સીડા, મનોદિવ્યાંગોની સેવા કરાનાર વણઘાભાઇ પરમાર, લેખક દુર્ગેશભાઈ ઓઝા, ફ્રાન્ચમાં જન્મેલા પણ મોચા હનુમાન મંદિર ખાતેથી ગરીબોની સેવા કરનાર અને વૈદિક સંસ્કૃતિ પ્રસરાવનાર સંતોષગિરી માતાજી, ઉદ્યોગપતિ નાનજી કાલિદાસ મહેતા પરિવારના જય મહેતા, શિક્ષણવિદ વિરમભાઈ ગોઢાણીયા, પાંચ દાયકાથી તબીબી સેવા માટે ડૉ. સુરેશ ગાંધી, લોકગાયિકા ફરીદા મીર, ક્રિકેટર જયદેવ ઉનડકટ અને ઉદ્યોગપતિ કેતન ગજ્જરનું બહુમાન કરવામાં આવ્યું હતું.
પોરબંદર જિલ્લાના આ રત્નોને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ વિશેષ અભિનંદન પાઠવ્યા હતાં. વિજ્ઞાન સામયિક સફારીના નગેન્દ્ર વિજય વતી સત્યમ વોરા, જય મહેતા વતી સૌરાષ્ટ્ર સિમેન્ટના વાઈસ પ્રેસિડેન્ટ, દીપક જગતિયાએ, સંતોષગિરી માતાજી વતી ભરતભાઈ પરમાર, જયદેવ ઉનડકટ વતી તેમના પિતા દીપકભાઈ ઉનડકટે સન્માન સ્વીકાર્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya