ભુજ - કચ્છ, 15 ઓગસ્ટ (હિ.સ.) મે મહિનામાં ભારતે પાકિસ્તાનને પહેલગામ આતંકી હુમલાના જવાબમાં ઓપરેશન સિંદૂર કર્યું હતું અને પાકિસ્તાનના આતંકી ઠેકાણાઓનો નાશ કર્યો હતો. જે દરમિયાનના સમય માટે પશ્ચિમ કચ્છના પોલીસવડાની વિશેષ નોંધ લેવામાં આવી છે. પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડાને સ્વતંત્રતા દિવસ પૂર્વે 'ચીફ ઓફ આર્મી સ્ટાફ (સીઓએએસ) પ્રશંસા'થી સન્માનિત કરાયા છે.
ગુજરાતના પોલીસ વડાએ પણ નોંધ લીધી
ઓપરેશન સિંદૂર દરમિયાન સરહદી કચ્છ જિલ્લાની સલામતી જળવાઇ રહે તેવા કાયદો વ્યવસ્થાના પ્રયાસોની ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાયે પ્રશંસા કરી હતી. પહેલગામ હુમલા બાદ ભારત દ્વારા પાકિસ્તાન સ્થિત આતંકી ઠેકાણાઓને નષ્ટ કરવા હાથ ધરાયેલા ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન સરહદી એવા પશ્ચિમ કચ્છ જિલ્લામાં કાયદો વ્યવસ્થા જાળવવા સાથે ઉત્કૃષ્ટ યોગદાન બદલ પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસવડા વિકાસ સુંડાને સ્વતંત્રતા દિવસ પૂર્વે 'ચીફ ઓફ આર્મી સ્ટાફ (સીઓએએસ) પ્રશંસા'થી સન્માનિત કરાયા છે.
સરકાર દ્વારા જારી આદેશોનું કરાયું યોગ્ય પાલન
સુંડાએ ઓપરેશન સિંદૂર દરમિયાન, દેશમાં લોકોની સુરક્ષા અન્વયે સરકાર દ્વારા જારી કરાયેલા આદેશનું કચ્છમાં યોગ્ય રીતે પાલન કરાવવા સાથે દરેક પરિસ્થિતિને પહોંચી વળવા લેવાયેલાં પગલાનું યોગ્ય રીતે પાલન કરાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હોવાથી સ્વતંત્રતા દિવસ પૂર્વે ઉત્કૃષ્ટ કાર્ય કરવા બદલ આ સન્માન અપાયું છે.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA