મહેસાણા, 15 ઓગસ્ટ (હિ.સ.)79માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય વન વિભાગ દ્વારા વન્યજીવ સંરક્ષણ, સામાજિક વનીકરણ અને સર્પ બચાવ ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરનાર વ્યક્તિઓ અને સંસ્થાઓને પ્રશસ્તિપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા. આ અવસરે ગુજરાતના ગ્રીન એમ્બેસેડર, પર્યાવરણ પ્રેમી અને સામાજિક કાર્યકર જીતુભાઈને તેમની અનન્ય સેવાઓ બદલ પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરાયા.
આજરોજ 15 ઓગસ્ટે, તિરૂપતી ઋષીવન, દેરોલ ખાતે જીતુભાઈના માર્ગદર્શન હેઠળ સ્વતંત્રતા દિવસની ઉજવણી ધ્વજવંદનથી શરૂ થઈ. ઉજવણી દરમિયાન પાર્કના તમામ કર્મચારીઓને વ્યસનમુક્તિનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો, તેમજ દિવાળી સુધી વ્યસનમુક્ત બનનારા કર્મચારીઓને ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવી. જીતુભાઈએ સમાજમાં એકતા અને સેવા ભાવના વધારવા માટે આજુબાજુ રહેલા ભાઈ-બહેનો અને ખાસ કરીને ‘ગંગા સ્વરૂપ’ બહેનોને મદદ કરવાની અપીલ પણ કરી.
આ અવસર પર ‘પ્લાસ્ટિક મુક્ત ભારત’ અભિયાન અંતર્ગત ઋષીવનમાં એકત્રિત પ્લાસ્ટિકને સિમેન્ટ સાથે ભેળવી બ્લોક અને ઇંટો બનાવવાનો અનોખો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો. સાથે સાથે વૃક્ષનારાયણ દેવને યાદ કરીને 79 વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો. જીતુભાઈની આ પહેલ માત્ર પર્યાવરણ જાગૃતિ નહીં પરંતુ સમાજમાં સકારાત્મક બદલાવ લાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું
છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR