ગાંધીનગર, 15 ઓગસ્ટ (હિ.સ.) : ગાંધીનગરમાં સેક્ટર-11 રામકથા મેદાન ખાતે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ૭૯માં સ્વાતંત્ર્ય પર્વની ગાંધીનગર જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે મંત્રીએ તિરંગો ફરકાવી માનભેર તિરંગાને સલામી આપી હતી. મંત્રીએ ખુલ્લી જીપમાં સવાર થઈ પોલીસ પરેડનું નિરીક્ષણ કરી સલામી આપી હતી. આ અવસરે મંત્રીના હસ્તે ગાંધીનગર જિલ્લાની વિકાસ વાટિકા – વર્ષ -૨૦૨૪-૨૫નું પણ વિમોચન કરવામાં આવ્યું હતું.
मैं उस भारत का बेटा हूं…
जिसके होठों पर गंगा और हाथों में तिरंगा है…આવી અદભુત અને દેશની ગરિમાને ઉજાગર કરતી કાવ્ય પંક્તિઓ દ્વારા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સ્વાતંત્ર પર્વની ઉજવણી પ્રસંગે, ભારત માતાના ચરણોમાં વંદન કરતા, સર્વે નાગરિકોને સ્વતંત્ર પર્વની શુભેચ્છાઓ પાઠવતા, સંબોધનમાં જણાવ્યું હતું કે, ભારતની બહેન દીકરીઓ અને માતાઓના કપાળના સિંદૂર ભૂંસવાનો અપરાધ જે આતંકવાદી એ કર્યો હતો તેનો જવાબ ના પાક આતંકવાદીઓ પર પ્રચંડ પ્રહાર કરીને ઓપરેશન સિંદૂર દ્વારા આપવામાં આવ્યો છે, અને માં ભારતીની સામે ખોટી નજર કરનારાઓની આંખો કાયમ માટે નીચી ઝુકાવી દેવાનું પરાક્રમ એટલે ઓપરેશન સિંદૂર. આ સાથે જ તેમણે ગર્વ ભેર જણાવ્યું હતું કે, દુશ્મન જે ભાષામાં સમજે છે તેને હવે તે જ ભાષામાં જવાબ આપવામાં આવશે.
ઉપરાંત આત્મનિર્ભર ભારતનો પરચો વિશ્વ આખાને ઓપરેશન સિંદૂરથી મળ્યો છે, ત્યારે ભારત પોતાની સુરક્ષા માટે હવે બીજા કોઈ પર નિર્ભર નથી,તેમ જણાવતા મંત્રીએ ઉમેર્યું હતું કે,માત્ર પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર જ નહીં, પરંતુ પાકિસ્તાનના અલગ અલગ રાજ્યોની અંદર જઈને આપણી સેનાએ શત્રુઓ પર પ્રહાર કર્યા છે, આપણી સ્વદેશી ટેકનોલોજી આધારિત એર ડિફેન્સ સિસ્ટમે શત્રુ દેશના તમામ હુમલાઓ નિષ્ફળ બનાવ્યા છે.
આ પ્રસંગે આઝાદીના લડવૈયાઓના વિચારો અને આદર્શોની નીવ થકી દેશના વિકાસની નીતિ ગતિમાન બની હોવાનું જણાવતા, ગૃહરાજ્યમંત્રી એ ઉમેર્યું હતું કે,આજે આઝાદીના 79 માં વર્ષ નિમિત્તે આઝાદીના લડવૈયાઓના વિચારો અને તેમના આદર્શોને ધ્યાને રાખીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં અનેક ઐતિહાસિક કાર્યો કર્યા છે, જેમ કે ગાંધીજીની સ્વચ્છતા ની શીખ ને 'સ્વચ્છ ભારત અભિયાન' થકી જન આંદોલનમાં પરિવર્તિત કરી છે, સરદાર પટેલ સાહેબનું વિઝન સ્ટેચ્યુ ઓફ યુનિટી થકી 'સહકારથી સમૃદ્ધિ' અને 'એક ભારત શ્રેષ્ઠ ભારત'ના સંકલ્પને સાકાર કર્યો છે, બાબાસાહેબના સામાજિક ન્યાય અને સમાનતાના સિદ્ધાંતોને અનુસરીને છેવાડાના માનવી સુધી લાભ પહોંચાડવામાં આવ્યા છે, સુભાષચંદ્ર બોઝના સૌર્ય અને સાહસને અનુસરીને દેશના સૈન્યને આત્મનિર્ભર બનાવવા સાથે સરહદની સુરક્ષાનો દૃઢ સંકલ્પ કરવામાં આવ્યો છે, ડો.શ્યામા પ્રસાદ મુખર્જીનું એક દેશ, એક વિધાન ,એક નિશાનનું સપનું કલમ 370 હટાવીને સાકાર કરવામાં આવ્યું છે, વીર સાવરકરજીના સમર્પણને અનુસરીને ઘડિયાળનો કાંટો જોયા વિના પ્રધાનમંત્રી સહિત તમામ કર્મયોગીઓ દેશ સેવાના કાર્ય કરી રહ્યા છે, શ્યામજી કૃષ્ણ વર્માના સેવા ભાવને અનુસરીને કોરોના કાળમાં મહામારી સામે લડત આપવા પણ આપણે સજ્જ બન્યા હતા, આચાર્ય ચાણક્યના સ્વપ્નને સાકાર કરવા દેશને વિશ્વ ગુરુ બનાવવાના પથ પર પણ આપણે અગ્રેસર છીએ.
આ અવસરે ગૃહ રાજ્ય મંત્રી એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો હૃદય પૂર્વક આભાર માનતા જણાવ્યું હતું કે, તેમના દૂરંદેશી નેતૃત્વમાં ભારતને વૈશ્વિક મંચ પર એક શક્તિશાળી રાષ્ટ્ર તરીકે જે ઓળખ મળી છે, તે ઘણી બધી યોજનાઓને અને ઘણા બધા તટસ્થ નિર્ણયો ને આભારી છે. જેમાં સાયબર ગુનાઓને સામનો કરવા માટે 500 કરોડના ખર્ચે સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સ બનવા સાથે, જે ટેકનોલોજીકલ ગુનાઓ સામે ગુજરાતની લડાઈ છે તેને વધુ મજબૂત બનાવાશે તેમ જણાવ્યું હતું. છેલ્લા સાત મહિનામાં ગુજરાત પોલીસે 2809 નાસ્તા ફરતા આરોપીઓને ઝડપીને કાયદાના શાસનને મજબૂત બનાવ્યું છે, સાથે જ 1689 ગુમ બાળકોને શોધીને તેમના પરિવાર સાથે પૂન મિલન કરાવ્યું છે. ઉપરાંત વ્યાજખોરિની ચુંંગલ માંથી નાગરિકોને મુક્ત કરાવવાના 400 ગુના દાખલ કરી 830 વ્યાજખોરોની ધરપકડ પણ કરવામાં આવી છે. જે સરાહનીય કાર્યો છે.
રમતગમતનો ઉલ્લેખ કરતા ગૃહરાજ્યમંત્રીએ રમતવીરોને પ્રોત્સાહન પૂરું પાડતાં ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન દ્વારા 2010માં શરૂ કરવામાં આવેલ ખેલ મહાકુંભનો પણ ઉલ્લેખ કર્યો હતો.
વાહન વ્યવહારની વાત કરવામાં આવે તો અઢી વર્ષના સમયગાળાની મહત્વની સિદ્ધિઓ દર્શાવતા મંત્રીએ જણાવ્યું હતું કે, મોડાસા ખાતે રાજ્યનું પ્રથમ એ આઈ દ્વારા સંચાલિત ઓટોમેટીક ડ્રાઇવિંગ ટેસ્ટ ટૂંક સમયમાં સંચાલિત થશે.
પ્રવાસન અંતર્ગત ગત વર્ષે 18 કરોડથી વધારે પ્રવાસીઓએ ગુજરાતની મુલાકાત લીધી હોવાનું ગર્વભેર જણાવતા મંત્રીએ જણાવ્યું હતું કે, ધરોઈને આઇકોનિક પ્લેસ તરીકે પ્રસ્થાપિત કરવાની નેમ સાથે આસપાસના વિસ્તારને અંદાજે રૂપિયા 1100 કરોડના ખર્ચે વર્લ્ડ ક્લાસ સસ્ટેનેબલ ટુરીઝમ તરીકે વિકસાવવામાં આવશે.
આ સાથે જ ગૃહરાજ્યમંત્રી દ્વારા આરોગ્ય ક્ષેત્રે અગ્રેસર ગુજરાત, શહેરી વિકાસ ક્ષેત્રે સિદ્ધિઓ, ગ્રામ વિકાસ થકી ગુજરાતનો વિકાસ, સશક્તનારી સ્વસ્થ બાળક ,જીવન ઉન્નત બનાવતું શિક્ષણ, સ્ટાર્ટઅપ ક્ષેત્રે અગ્રેસર ગુજરાત, કિસાન સન્માન થકી રાજ્યમાં છવાઈ કૃષિ હરિયાળી, સહકારથી સમૃદ્ધિ ,જળ ક્ષેત્રે ગુજરાતની સિદ્ધિ, 'એક પેડ મા કે નામ' થકી વન સંરક્ષણ , સૌર ઉર્જાથી ઉર્જાવાન ગુજરાત ,આદિવાસી ઉત્કર્ષ સાથે સાથે ગાંધીનગર જિલ્લાની વિશેષતાઓની માહિતી પણ તેમના સંબોધનમાં આપી હતી. જેમાં ગાંધીનગર જિલ્લા વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષમાં ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના હસ્તે 758 કરોડથી વધુના વિવિધ વિકાસ કામોનું ખાતમુરત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે, ઉપરાંત ગાંધીનગર જિલ્લામાં વિકાસ અને વિરાસત બંને સાથે ચાલી રહ્યા છે માણસા તાલુકાના અંબોડ ગામમાં આવેલ પ્રાચીન મહાકાળીનું મંદિર પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રૂપિયા બે કરોડના ખર્ચે નવીનીકરણ પામ્યું છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
આ અવસરે મંત્રીના હસ્તે રમતગમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓ, પોલીસ વિભાગ, આઈસીડીસ વિભાગ, નગરપાલિકા અને ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ જેવા ક્ષેત્રે પ્રસંશનીય કામગીરી કરનાર પ્રતિભાઓનું સન્માન પ્રમાણપત્ર અને ટ્રોફી દ્વારા કરવામાં આવ્યું હતું.તથા જિલ્લાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિ દર્શાવતા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. મંત્રીશ્રીએ કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ પણ કર્યું હતું.
આ પ્રસંગે ગાંધીનગર જિલ્લા કલેકટર મેહુલ કે.દવે , જિલ્લા વિકાસ અધિકારી બી.જે પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક રવિતેજા વાસમ શેટ્ટી , ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ, ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોર સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ પદાધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે પોલીસ બેન્ડ દ્વારા રાષ્ટ્રગીત રજૂ કરી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પૂર્ણ કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ