મહેસાણા, 15 ઓગસ્ટ (હિ.સ.): મહેસાણા નાયબ બાગાયત નિયામક દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ વર્ષ 2025-26 માટે બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભ મેળવવા માટેનું નવું આઈ ખેડૂત પોર્ટલ 18 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર 2025 સુધી કુલ 15 દિવસ માટે ખુલ્લું રહેશે. આ પોર્ટલ દ્વારા ખેડૂતો બાગાયત ખાતાના કુલ 25 જેટલા ઘટકો માટે ઓનલાઇન અરજી કરી શકશે. અરજી કરતા પહેલા ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ 2.0 પર નોંધણી કરવી ફરજિયાત છે. જરૂરી દસ્તાવેજો અપલોડ કરી અરજી કન્ફર્મ કર્યા બાદ તેની પ્રિન્ટ કાઢી રાખવી તથા મંજુરી મળ્યા પછી ક્લેઈમ સબમિટ કરતી વખતે તેની નકલ અને સાધનિક દસ્તાવેજો સાથે નિર્ધારિત સમયગાળામાં મહેસાણા સ્થિત નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરીમાં જમા કરાવવાની રહેશે.
આ યોજનાઓમાં સંકલિત બાગાયત વિકાસ કાર્યક્રમ હેઠળ શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન, સરગવાની ખેતી, આંબા તથા જામફળ ઉત્પાદક્તા વધારવા, આંબા અને લીંબુના જુના બગીચાઓનું નવસર્જન, કમલમ વાવેતર, કેળ તથા પપૈયા પાક ઉત્પાદક્તા વધારવા, ટીસ્યુ કલ્ચર ખારેકની ખેતી, ફળપાક પ્લાન્ટિંગ મટીરીયલ્સમાં સહાય, પાકને સુરક્ષિત રાખવા ક્રોપ કવર તથા ફ્રુટ કવર, કોલ્ડ ચેઈન મેનેજમેન્ટ, નાની નર્સરી, ફાર્મ ગેટ પેક હાઉસ, પ્રી-કુલિંગ યુનિટ, મોબાઈલ પ્રોસેસિંગ યુનિટ, કોલ્ડ રૂમ, રાઇપનીંગ ચેમ્બર, ઔષધિય પાક, સોલાર ક્રોપ ડ્રાયર, મૂલ્યવર્ધન માટેની પ્રોસેસિંગ યુનિટ, તેમજ ફળ-શાકભાજી પાકોના કલેક્શન એકમ અને સોલાર કોલ્ડ રૂમ જેવી યોજનાઓનો સમાવેશ થાય છે.
ખેડૂતો માટે આ એક સુવર્ણ તક છે કે તેઓ પોતાની ખેતીની જરૂરિયાત મુજબની યોજનામાં સમયસર અરજી કરી સરકારશ્રી દ્વારા આપવામાં આવતી સહાયનો લાભ મેળવી શકે. વિલંબ ન થાય તે માટે નિર્ધારિત સમયગાળામાં અરજી પૂર્ણ કરવી અને જરૂરી કાગળો સાથે સબમિટ કરવી અનિવાર્ય છે, જેથી લાભ મેળવવામાં કોઈ મુશ્કેલી ન પડે. જિલ્લામાં અમલમાં મૂકાતી રાજ્ય તથા કેન્દ્ર સરકાર પુરસ્કૃત યોજનાઓના લક્ષ્યાંક મુજબ પાત્ર ખેડૂતોને સહાય સરકારના નિયમો અનુસાર આપવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR