ગાંધીનગર, 15 ઓગસ્ટ (હિ.સ.): આજ રોજ સેક્ટર-29 સ્થિત ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી કેમ્પસમાં સ્વતંત્રતા દિવસની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમ ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી તથા ડૉ. આંબેડકર ઉત્કૃષ્તા કેન્દ્ર, ગુજરાત કેન્દ્રીય વિશ્વ વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે આયોજિત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમની અધ્યક્ષતા કુલપતિ ડૉ. ટી.એસ. જોષીએ કરી હતી, જ્યારે ગુજરાત જાહેર સેવા આયોગના પૂર્વ ચેરમેન હસમુખ જોષી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે પ્રારંભમાં રાષ્ટ્રધ્વજ વંદન અને રાષ્ટ્રગાન બાદ વિદ્યાવાટિકાના બાળકો દ્વારા દેશપ્રેમ અને સાંસ્કૃતિક પરંપરાનું પ્રતિબિંબ દર્શાવતી સુંદર સાંસ્કૃતિક કૃતિ પ્રસ્તુત કરવામાં આવી હતી. આ પાવન પર્વ નિમિત્તે બાલભવનની પ્રવૃત્તિઓનું પોસ્ટર અનાવરણ કરવામાં આવ્યું તેમજ તપોવન ગર્ભસંસ્કાર કેન્દ્ર માટેના એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. આ બંને ઘટનાઓ યુનિવર્સિટીના સર્જનાત્મક શૈક્ષણિક કાર્યક્રમોને નવી દિશા આપનારી સાબિત થશે.
કુલપતિએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, સ્વતંત્રતા દિવસ માત્ર ઉજવણીનો દિવસ નથી, પરંતુ દેશ માટેની આપણી પ્રતિબદ્ધતાનું પુનઃસ્મરણ કરવાનો અવસર છે. મુખ્ય મહેમાનએ રાષ્ટ્રનિર્માણમાં શિક્ષણ, મૂલ્યો અને એકતાનું મહત્વ રજુ કર્યું.
કાર્યક્રમમાં યુનિવર્સિટીના કુલસચિવ, ડૉ. આંબેડકર ઉત્કૃષ્તા કેન્દ્રના નોડલ ઓફિસર પ્રો. રાજેશ મકવાણા, અધ્યાપકો, વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકોએ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં સંચાલનની જવાબદારી ડૉ. જય ઓઝા તેમજ સંચાલક તરીકે ડૉ. મહેન્દ્ર પટેલ અને ડૉ. શિલ્પા વાળાએ જહેમત ઉઠાવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ