‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન કચ્છના દરેક નાગરિકે સેનાના સંત્રીની ભૂમિકા અદા કરી
ભુજ - કચ્છ 15 ઓગસ્ટ, (હિ.સ.) 15મી ઓગસ્ટ, શુક્રવારે ૭૯ મા સ્વાતંત્ર્ય પર્વની કચ્છની જિલ્લાકક્ષાની ઉજવણી ભચાઉના SRPF ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી. આ ઉજવણીમાં કચ્છ જિલ્લા કલેક્ટર આનંદ પટેલે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહીને ધ્વજવંદન કર્યું હતું. કલેક્ટરે પોલીસ અને હોમગાર્ડ પરેડનું નિરીક્ષણ કરીને મોટી સંખ્યામાં ઉપસ્થિત નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું.
આઝાદી અમૂલ્ય, ક્રાંતિગુરુ શ્યામજીને નમનકચ્છ જિલ્લા કલેક્ટર આનંદ પટેલે સ્વાતંત્ર્ય પર્વ કાર્યક્રમમાં સંબોધન કરતાં જણાવ્યું હતું કે, આપણને પ્રાપ્ત થયેલી આઝાદી ખૂબ જ અમૂલ્ય છે. તેઓએ ભચાઉની ધરતી પરથી ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણવર્માને નમન કર્યા હતા. ભારત દેશને દમનકારી વિદેશી શાસનમાંથી મુક્ત કરાવીને, ‘લોકતંત્ર ભારત’ની સ્થાપના કરનારા વીર શહીદોનું ઋણ, આપણે ક્યારેય પણ અદા કરી શકીશું નહીં.
કચ્છના નાગરિકોનો સહકાર બિરદાવાયો વડાપ્રધાનના દિશાદર્શનમાં સફળતાપૂર્વક પાર પડાયેલા ઓપરેશન સિંદૂર દરમિયાન કચ્છ જિલ્લાના નાગરિકોએ ભારતીય સેના અને જિલ્લા વહીવટીતંત્રને આપેલા સહકારને તેઓએ બિરદાવ્યો હતો. તેઓએ વધુમાં જણાવ્યું કે, ઓપરેશન સિંદૂર દરમિયાન સાબિત થયું કે કચ્છનો દરેક નાગરિક સેનાના સંત્રીની ભૂમિકા ભજવી શકે છે. ભુજમાં નિર્માણ પામી રહેલું સિંદૂર વન સેનાના અદમ્ય શૌર્યનું પ્રતીક બની રહેશે.
ગુજરાતમાં 2035 સુધીનો દાયકો હીરક મહોત્સવ રાજ્ય તેમજ કચ્છના વિકાસની વાત કરતાં કલેક્ટર પટેલે જણાવ્યું કે, ગુજરાતે 2035 સુધીના દાયકાને હીરક મહોત્સવ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે, જે ગુજરાતીઓના સન્માન, ઐતિહાસિક સાંસ્કૃતિક મૂલ્યોના જતન અને સર્વાંગી વિકાસ માટેનો જનમહોત્સવ બનશે. ૨૦૪૭માં ભારતની આઝાદીના ૧૦૦ વર્ષ પૂર્ણ થશે ત્યારે આ અવધિને કર્તવ્યકાળ તરીકે ઉજવીશું.
“ગુનેરી ઇનલેન્ડ મેન્ગ્રોવ”, પ્રથમ બાયોડાઇવર્સિટી હેરિટેજકચ્છ જિલ્લાના લખપતમાં “ગુનેરી ઇનલેન્ડ મેન્ગ્રોવ”ને ગુજરાતની પ્રથમ બાયોડાઇવર્સિટી હેરિટેજ સાઈટ તરીકે જાહેર કરાઈ છે. રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળ ‘ટીમ ગુજરાત’ દિન-રાત કામ કરી રહી છે. આ સંકલ્પને સાકાર કરવા માટે કચ્છ જિલ્લો પણ અગ્રેસર રહીને વિકાસની હરણફાળ ભરી રહ્યો છે.વિકાસના માર્ગે કચ્છ સતત દોડી રહ્યું છેગામડાઓમાં શહેરો જેવી સુવિધાઓ ઉપલબ્ધ થાય, સમાજના નાનામાં નાના માનવીનો સર્વાંગી વિકાસ થાય તે સરકારની પ્રાથમિકતા રહી છે તેમ ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે, ગરીબો, પીડિતો, વંચિતો, શોષિતો, યુવાઓ, ખેડૂતોને લઈને સૌના સાથ સૌના વિકાસના ધ્યેય સાથે રાજ્ય સરકાર ચોવીસેય કલાક સેવારત છે. ઓદ્યૌગિક વિકાસ હોય કે હસ્તકલા, પોર્ટ હોય કે પછી પ્રવાસન, ખેતી હોય કે પશુપાલન, તમામ ક્ષેત્રમાં વિકાસની હરણફાળ ભરી કચ્છ હજુ પણ આ દિશામાં અવિરત દોડી રહ્યું છે.બજેટમાં રૂ.૧૦ કરોડની ફાળવણીવડાપ્રધાનની અંતર પ્રેરણાથી શરૂ થયેલો કચ્છના રણોત્સણ વિશે કલેક્ટરે જણાવ્યું હતું કે, રણોત્સવ આજે ગુજરાતનું તોરણ બની ચૂક્યો છે. કચ્છ એ હવે ગુજરાત સહિત ભારતના લોકો માટે, પ્રવાસનનું એક ‘બેસ્ટ ડેસ્ટિનેશન’ બન્યું છે. રણથી દરિયાઈ સીમા સુધી પ્રવાસન વિકસે એ વિઝન સાથે સમુદ્રી સીમા દર્શનની શરૂઆત કચ્છના નારાયણ સરોવર નજીક લક્કી નાલાથી થઈ છે. કોરી ક્રીકમાં મેન્ગ્રુવ લર્નિંગ સેન્ટરના વિકાસ માટે તેમજ મેન્ગ્રુવ ટુરિઝમ સહિતની માળખાકીય સુવિધા માટે ગુજરાત સરકારે બજેટમાં રૂ.૧૦ કરોડની ફાળવણી કરી છે. કર્મયોગીઓનું પ્રશસ્તિ પત્ર આપીને સન્માન આ પ્રસંગે વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓએ રજૂ કરેલી સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ ઉપસ્થિતોએ તાળી તાળીઓના ગડગડાટથી વધાવીને બિરદાવી હતી. કચ્છમાં શિક્ષણ, સેવા, સ્પોર્ટ્સ વગેરે ક્ષેત્રોમાં વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનારા નાગરિકો અને કર્મયોગીઓનું પ્રશસ્તિ પત્ર એનાયત કરીને સન્માન કરાયું હતું.
સાંસદ અને ધારાસભ્યો ઉપરાંત નાગરિકોની ઉપસ્થિતિઆ પ્રસંગે સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, ધારાસભ્યો વિરેન્દ્રસિંહ જાડેજા, શ્રીમતિ માલતીબેન મહેશ્વરી, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા તાલીમી સનદી અધિકારી એમ. ધરિણી, નિવાસી અધિક કલેક્ટર ડી.પી.ચૌહાણ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA