ગાંધીનગર, 15 ઓગસ્ટ (હિ.સ.):
નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU)એ 79મા સ્વતંત્રતા દિવસની તા.15મી ઓગસ્ટ, 2025ના રોજ ગૌરવપૂર્ણ ઉજવણી કરી હતી. સ્વતંત્રતા દિવસના અવસરે પ્રો. (ડૉ.) એસ.ઓ. જુનારે, કેમ્પસ ડાયરેક્ટર, NFSU-ગાંધીનગર દ્વારા ગાંધીનગર કેમ્પસમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે NFSUના એક્ઝિક્યુટિવ રજિસ્ટ્રાર સી. ડી. જાડેજા અને NFSU-ભોપાલના કેમ્પસ ડાયરેક્ટર પ્રો.(ડૉ.) સતીશકુમાર મંચ પર બિરાજમાન હતા.
NFSUના NCC કેડેટ્સ અને NSS સ્વયંસેવકોએ દેશભક્તિ અને શિસ્ત સાથે પ્રભાવશાળી માર્ચપાસ્ટમાં ભાગ લીધો હતો. NFSUના વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા પણ દેશભક્તિ ગીતો રજૂ કરવામાં આવ્યા હતા. વૈશ્વિક એકતા અને આંતરસાંસ્કૃતિક સંવાદની ભાવનાને પ્રોત્સાહન આપતા, વિદેશી વિદ્યાર્થીઓએ પણ દેશભક્તિ સંબંધિત વિવિધ વિષયો પર વક્તવ્ય આપ્યું હતું.
સ્વતંત્રતા દિવસના આ શુભ પ્રસંગે, પ્રો. (ડૉ.) એસ.ઓ. જુનારે, કેમ્પસ ડાયરેક્ટર, NFSU-ગાંધીનગરએ સ્વતંત્રતા સેનાનીઓ અને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે કહ્યું કે NFSU અતૂટ દેશભક્તિ અને ઉદ્દેશ્ય સાથે રાષ્ટ્રની સેવા કરવા માટે કટિબદ્ધ છે. પ્રો. જુનારેએ જણાવ્યું કે NFSUએ ઓપરેશન સિંદૂર પછી દેશભક્તિપૂર્ણ અંજલિ આપવા આજથી તા.17 સપ્ટેમ્બર સુધી ભારત માતાના વીરપુત્રોને એક પત્ર નામથી રાષ્ટ્રવંદનાના હેતુથી રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂ કર્યું છે, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે પૂર્ણ થશે. રાષ્ટ્રવંદના અભિયાનના ભાગરૂપે NFSUના વિદ્યાર્થીઓ રાજભાષા હિન્દીમાં સૈનિકો અને શહીદોના પરિવારોને હૃદયસ્પર્શી હસ્તલિખિત પત્રો લખશે, જેમાં રાષ્ટ્ર પ્રત્યેની તેમની અતૂટ સેવા બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવશે.આ અભિયાન અંતર્ગત દેશભરના સૈનિકોને 7,500 પત્રો મોકલવામાં આવશે, જ્યારે 75 ખાસ પસંદ કરેલા સંદેશાઓ 75 ફૂટ ઊંચા વીરાંજલી સ્તંભ પર પ્રદર્શિત કરવામાં આવશે, જે કાયમી કૃતજ્ઞતા અને દેશભક્તિના ગૌરવનું પ્રતીક બની રહેશે.
આ પ્રસંગે પોતાના વક્તવ્યમાં પ્રો. (ડૉ.) જુનારેએ NFSUના સ્થાપક કુલપતિ, પદ્મશ્રીથી સન્માનિત, ડૉ. જે.એમ. વ્યાસનો ભારતની ફોરેન્સિક ક્ષમતાઓને મજબૂત બનાવવામાં તેઓની મહત્વપૂર્ણ ભૂમિકા અને યોગદાન બદલ આભાર માન્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે NFSU એ યુગાન્ડાના જિંજા સહિત ભારતભરમાં 14 કેમ્પસનું નિર્માણ કરીને અત્યંત ગતિ સાથે પ્રગતિ કરી છે, જે ભારતની ન્યાય પ્રણાલીને વધુ મજબૂત બનાવવા અને દેશભરમાં દોષસિદ્ધિના દરમાં વધારો કરવા માટે ફોરેન્સિક વિજ્ઞાનને આગળ વધારવામાં NFSUના નેતૃત્વને ઉજાગર કરે છે.
આ પ્રસંગે વિવિધ સ્કૂલ્સના ડીન્સ, એસોસિએટ ડીન્સ, અધ્યાપકગણ, કર્મચારીગણ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ