નવી દિલ્હી, 15 ઓગસ્ટ (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, શુક્રવારે સ્વતંત્રતા દિવસ નિમિત્તે લાલ કિલ્લા પરથી પોતાના સંબોધનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) ના 100 વર્ષ પૂર્ણ થવા પર સંગઠન અને તેના સ્વયંસેવકોને આદરપૂર્વક યાદ કર્યા. તેમણે કહ્યું કે, વ્યક્તિગત વિકાસથી લઈને રાષ્ટ્ર નિર્માણના સંકલ્પ સુધી, આરએસએસ એ ભારત માતાના કલ્યાણના ધ્યેય સાથે પોતાનું જીવન માતૃભૂમિને સમર્પિત કર્યું છે.
પ્રધાનમંત્રીએ ગર્વથી કહ્યું કે, સેવા, સમર્પણ, સંગઠન અને અજોડ શિસ્ત એ સંઘની ઓળખ રહી છે. તેને વિશ્વની સૌથી મોટી એનજીઓ ગણાવતા તેમણે કહ્યું કે, 100 વર્ષમાં દેશની સેવા કરતા લાખો સ્વયંસેવકોએ રાષ્ટ્રીય હિતમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. તેમણે કહ્યું કે, આરએસએસ ની પ્રેરણા અને કાર્યશૈલીએ સમાજમાં એકતા, શિસ્ત અને દેશભક્તિની ભાવનાને મજબૂત બનાવી છે, જે સમૃદ્ધ અને મજબૂત ભારતના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) ની સ્થાપના ડૉ. કેશવ બલિરામ હેડગેવાર દ્વારા 1925માં વિજયાદશમીના દિવસે નાગપુરમાં કરવામાં આવી હતી. તેનો મૂળ ઉદ્દેશ્ય, વ્યક્તિગત વિકાસ દ્વારા રાષ્ટ્ર નિર્માણ છે. સંઘ શિસ્ત, સેવા, સમર્પણ અને સંગઠનને તેના કાર્યનો આધાર માને છે. તેની શાખાઓમાં, શારીરિક, બૌદ્ધિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા સ્વયંસેવકોમાં દેશભક્તિ અને સામાજિક જવાબદારીની ભાવનાનો વિકાસ થાય છે. આરએસએસ શિક્ષણ, ગ્રામીણ વિકાસ, આપત્તિ રાહત, આરોગ્ય અને સામાજિક સંવાદિતા ક્ષેત્રોમાં કાર્ય કરી રહ્યું છે. તેને વિશ્વનું સૌથી મોટું સ્વૈચ્છિક સંગઠન માનવામાં આવે છે, જેણે છેલ્લા સો વર્ષોમાં રાષ્ટ્રીય હિતમાં વ્યાપક યોગદાન આપ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ