નવી દિલ્હી, 15 ઓગસ્ટ (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, શુક્રવારે સ્વતંત્રતા દિવસ નિમિત્તે લાલ કિલ્લા પરથી પોતાના સંબોધનમાં કહ્યું કે, ભારત એક સમૃદ્ધ રાષ્ટ્ર બનવા તરફ નિર્ણાયક પગલાં લઈ રહ્યું છે. તેમણે યુવાનોને ટેકનિકલ અને ઔદ્યોગિક ક્ષેત્રોમાં આત્મનિર્ભરતાને પોતાનું લક્ષ્ય બનાવવા અને તેના માટે દૃઢ પ્રયાસો કરવા હાકલ કરી. તેમણે કહ્યું કે, આ પેઢીએ સ્વતંત્ર ભારત માટે અગાઉની પેઢીએ જે રીતે યોગદાન આપ્યું હતું તે જ રીતે સમૃદ્ધ ભારત માટે યોગદાન આપવું જોઈએ.
પ્રધાનમંત્રીએ, રાષ્ટ્રીય મહત્વના ક્ષેત્રોમાં આત્મનિર્ભરતા માટે અનેક 'આહવાન' કર્યું. તેમણે કહ્યું કે, ભારત ગગનયાન મિશન અને સ્પેસ સ્ટેશન માટે પોતાના દમ પર તૈયારી કરી રહ્યું છે. મેક ઇન ઇન્ડિયા હેઠળ, ફાઇટર જેટ માટે જેટ એન્જિન દેશમાં જ વિકસાવવા જોઈએ. ઓપરેટિંગ સિસ્ટમ્સ, સાયબર સુરક્ષા અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પણ ભારતીય હોવા જોઈએ, જેથી દેશની સંપત્તિ બહાર ન જાય. ખેડૂતોને ખાતરનો યોગ્ય ઉપયોગ કરવા અને વૈજ્ઞાનિક ઉદ્યોગપતિઓને દેશની જરૂરિયાત મુજબ ખાતર તૈયાર કરવામાં સહયોગ કરવા વિનંતી કરી. ઈવી બેટરી અને સોલાર પેનલનું ઉત્પાદન પણ દેશમાં જ થવું જોઈએ.
ભારતની તાજેતરની સિદ્ધિઓનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, કોવિડ સમયગાળા દરમિયાન, દેશે રસીઓ અને ડિજિટલ પ્લેટફોર્મ બનાવીને તેની ક્ષમતા સાબિત કરી છે. સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં પ્રગતિ વિશે માહિતી આપતા તેમણે કહ્યું કે, છ સેમિકન્ડક્ટર યુનિટને લીલી ઝંડી આપવામાં આવી છે અને ભારતમાં બનેલી સેમિકન્ડક્ટર ચિપ્સ આ વર્ષે બજારમાં ઉપલબ્ધ થશે. તેમણે ઉત્પાદન ક્ષેત્રમાં 'ઓછી કિંમત અને વધુ શક્તિ' ના વિચાર સાથે આગળ વધવાની અને સ્પર્ધાત્મક ક્ષમતા વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ