ભુજ - કચ્છ, 15 ઓગસ્ટ (હિ.સ.) રાષ્ટ્રપતિ દ્વારા પોલીસ, ફાયર વિભાગ, હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સ અને સુધારાત્મક સેવાઓના કુલ 1090 કર્મીઓને સ્વાતંત્ર્ય દિન નિમિત્તે વીરતા તેમજ સેવા મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે. તે પૈકી ગુજરાત પોલીસના 21 કર્મચારીની પ્રસંશનીય સેવા મેડલ માટે પસંદગી કરાઈ છે, તો કચ્છમાં ફરજ બજાવી ચૂકેલા આઈપીએસ અધિકારી એસીબીના વડા પીયૂષ પટેલને રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત થશે.
આ બંનેને પણ પુરસ્કૃત કરાશે
નાયબ પોલીસ અધીક્ષક બી.એન. દવે અને પૂર્વ કચ્છ પોલીસ જિલ્લામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ વિક્રમસિંહ નટુભા જાડેજાને પ્રસંશનીય સેવા મેડલ જાહેર કરાયો છે. રાષ્ટ્રપતિ મેડલ માટે પસંદ કરાયેલા 1998ની બેચના આઈપીએસ અધિકારી પીયૂષ પટેલ કચ્છમાં મદદનીશ પોલીસ અધીક્ષક, પોલીસ અધીક્ષક અને બોર્ડર રેન્જના ડીઆઈજી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.
પીયૂષ પટેલે મહત્ત્વના કેસોમાં નોંધપાત્ર કામગીરી કરી હતી
ખાસ કરીને ભચાઉ એએસપી તરીકે પીયૂષ પટેલે વાગડ વિસ્તારમાં તેમણે કરેલી કાર્યવાહી નોંધપાત્ર બની રહી હતી. આ પછી એસપી અને ડીઆઈજી તરીકે પણ તેમણે સીમાવર્તી ગુનાખોરી સહિતના અનેક મહત્ત્વના કેસોમાં નોંધનીય કાર્ય કર્યું હતું. જ્યારે હાલે દક્ષિણ ગુજરાતમાં વલસાડ ખાતે નાયબ પોલીસ અધીક્ષક પદે સેવારત બી.એન. દવે પણ કચ્છમાં ભચાઉ વિસ્તારમાં ફરજ બજાવી ચૂક્યા છે, જ્યારે પ્રશંસનીય સેવા મેડલ માટે પસંદ કરાયેલા પૂર્વ કચ્છ પોલીસમાં ફરજ બજાવતા વિક્રમસિંહ જાડેજા હાલે હથિયારી હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA