રાજનાંદગાંવ, નવી દિલ્હી, 15 ઓગસ્ટ (હિ.સ.). છત્તીસગઢના રાજનાંદગાંવ જિલ્લાના બાગનાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચિરચારી નજીક શુક્રવારે સવારે થયેલા માર્ગ અકસ્માતમાં છ યુવાનોના મોત, જ્યારે એક યુવાન ગંભીર રીતે ઘાયલ થયો, જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. મૃતકોમાં મધ્યપ્રદેશ અને ઓડિશાના છ યુવાનોનો સમાવેશ થાય છે, જ્યારે એક યુવાનની હાલત ગંભીર છે.
પોલીસ અધિક્ષક મોહિત ગર્ગે જણાવ્યું હતું કે, સાત મિત્રોનું આ જૂથ મધ્યપ્રદેશના ઇન્દોરથી ઓડિશાના પુરી જઈ રહ્યું હતું. ત્યારબાદ શુક્રવારે સવારે લગભગ 5:30 વાગ્યે, રાજનાંદગાંવ જિલ્લાના બાગનાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચિરચારી ગામ નજીક, કાર અચાનક બીજી લેનમાં ગઈ અને એક ઝડપી ટ્રકે તેમને જોરદાર ટક્કર મારી. ટક્કર એટલી ગંભીર હતી કે, કાર ચકનાચૂર થઈ ગઈ અને છ યુવાનોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા. જ્યારે એક ઘાયલ યુવાનને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
તેમણે કહ્યું કે, શરૂઆતની તપાસમાં એવું લાગે છે કે, કાર ચાલકને ઊંઘ આવી ગઈ હશે, જેના કારણે કાર બીજી લેનમાં ગઈ અને સામેથી આવી રહેલા ટ્રક સાથે અથડાઈ ગઈ. આ ભયાનક અકસ્માતમાં કારમાં સવાર છ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા. કાર ચલાવનાર વ્યક્તિને ગંભીર ઈજાઓ થઈ છે અને તેમને રાજનાંદગાંવની મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પોલીસે પાંચ મૃતકોની ઓળખ કરી છે. જેમાં આકાશ મૌર્ય (28), ગોવિંદ (33), અમન રાઠોડ (26), નીતિન યાદવ (34) મધ્યપ્રદેશના રહેવાસી અને સંગ્રામ કેસરી અને ઓડિશાના એક યુવકનો સમાવેશ થાય છે. જોકે, આમાંથી બે યુવાનોની હજુ સુધી સંપૂર્ણ ઓળખ થઈ નથી. કાર ચાલક સાગર યાદવ ગંભીર રીતે ઘાયલ છે. અકસ્માતની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા. ગંભીર રીતે ઘાયલ ડ્રાઈવરની સારવાર કરવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / ગાયત્રી પ્રસાદ ધીવર / રામાનુજ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ