પાટણ, 15 ઓગસ્ટ (હિ.સ.)પાટણ શહેરમાં શ્રાવણ વદ સાતમે શીતળા સાતમનો તહેવાર ભક્તિભાવપૂર્વક ઉજવાયો. છીંડીયા દરવાજા બહાર આવેલા પ્રાચીન શીતળા માતાના મંદિરે વહેલી સવારથી જ ભક્તોની ભીડ જામી હતી. મહિલાઓએ માતાજીને માટીના ગરબા, કુલેર, ટોપરું અને શ્રીફળનું નૈવેદ્ય અર્પણ કર્યું, જ્યારે ઘણી મહિલાઓએ માનતા સ્વરૂપે માટીના ગરબા મૂકી બાધા પૂર્ણ કરી હતી. છીંડીયા ચોક વિસ્તારમાં મેળાનો માહોલ જામ્યો હતો, જ્યાં બાળકો મનોરંજન સાધનોની મજા માણતા હતા.
ખોખરવાડા વિસ્તારના શીતળા માતાના મંદિરે તેમજ વેરાઈચકલા વિસ્તારમાં આવેલા બિંદુક્ષીણ ગેલગાત્રેશ્વરી માતાના મંદિર પરિસરમાં સવારથી દર્શનાર્થીઓની ભીડ જોવા મળી હતી. અહીં મહિલાઓએ ખાસ કરીને બાળકોના આરોગ્ય માટે પ્રાર્થના કરી હતી. સિંધવાઈ માતાના મંદિર પરિસરમાં પણ મોટી સંખ્યામાં બહેનોએ દર્શન-પૂજન કર્યા હતા.
ગુજરાતમાં શ્રાવણ વદ સાતમને શીતળા સાતમ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ચૂલો સળગાવવાનો નિષેધ હોવાથી રાંધણ છઠ્ઠના દિવસે જ રસોઈ બનાવી લેવામાં આવે છે અને તહેવારના દિવસે ઠંડો ખોરાક આરોગવાની પરંપરા છે. લોકમાન્યતા મુજબ આ દિવસે શીતળા માતા દરેક ઘરમાં પરિક્રમા કરે છે, તેથી ચૂલો સળગાવવામાં આવતો નથી.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર