વડોદરા, 15 ઓગસ્ટ (હિ.સ.)- વડોદરા નજીક કુંઢેલા સ્થિત સેન્ટ્રલ યુનિવર્સિટીમાં હોસ્ટેલ મેસના ભોજનની ગુણવત્તા સામે આજે વિદ્યાર્થીઓએ જોરદાર વિરોધ નોંધાવ્યો. વિદ્યાર્થીઓએ રોટલીના લોટ અને અનાજમાં જીવડા તેમજ ફૂગવાળી બ્રેડના વિડિયો વાયરલ કર્યા બાદ મેસના રસોડામાં ઘૂસી સૂત્રોચ્ચાર કર્યા.
વિદ્યાર્થીઓનો આક્ષેપ હતો કે વારંવાર રજૂઆતો છતાં મેસમાં સ્વચ્છતા જળવાતી નથી અને મેનુ પ્રમાણે ભોજન આપવામાં આવતું નથી. આજે નાસ્તામાં ફૂગવાળી બ્રેડ મળતાં વિદ્યાર્થીઓએ નાસ્તો કર્યા વગર મેસને તાળું મારી VC ઓફિસ બહાર ધરણા આપ્યા.
વિરોધને પગલે યુનિવર્સિટી તંત્રે તાત્કાલિક અસરથી મેસ કોન્ટ્રાક્ટરને હકાલપટ્ટી કરી વચગાળાની વ્યવસ્થા શરૂ કરી છે. સાથે જ નવા કોન્ટ્રાક્ટર માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. અગાઉ પણ વિદ્યાર્થીઓની ફરિયાદોને આધારે કોન્ટ્રાક્ટર બદલવાની કાર્યવાહી ચાલુ હતી, પરંતુ આજે થયેલા હોબાળા બાદ તાત્કાલિક પગલાં લેવાયા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે