ભાવનગર, 15 ઓગસ્ટ (હિ.સ.) ભાવનગર શહેર નજીક આવેલ વરતેજ ખાતે રંગોલી હોટેલ પાસે આજે બપોરે એક CNG રીક્ષા માં અચાનક આગ લાગી હતી. ઘટના બનતાની સાથે જ આસપાસના લોકોમાં ભય અને ગભરાટ ફેલાયો. પ્રાથમિક માહિતી મુજબ, આગનું કારણ તકનિકી ખામી હોવાનું અનુમાન છે.
રીક્ષા માંથી ધુમાડો અને જ્વાળાઓ ઉઠતા જ સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે તરત જ પહોંચી અને આગ પર કાબૂ મેળવ્યો. સમયસર કાર્યવાહી થવાને કારણે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ રીક્ષાને મોટું નુકસાન થયું છે.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આગ લાગતા ડ્રાઈવરે તરત જ રીક્ષા રોકી મુસાફરોને સલામત રીતે ઉતારી દીધા હતા. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવી રીક્ષાને ઠંડુ પાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. આ ઘટનાએ ફરી એકવાર વાહનોમાં તકનિકી તપાસ અને જાળવણીની જરૂરીયાત પર ભાર મૂક્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai