મોડાસા, 16 ઓગસ્ટ (હિ.સ.) સાબરકાંઠા જિલ્લાકક્ષાનો ૧૫મી ઑગસ્ટ સ્વાતંત્રતા પર્વ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં અવર ઓન હાઇસ્કૂલ ખાતે હર્ષલ્લાસપૂર્વક ઉજવાયો હતો. મંત્રી ના વરદ હસ્તે ધ્વજ વંદન કરાયું તેમજ પરેડનું નિરીક્ષણ કરી સલામી ઝીલી જિલ્લાવાસીઓને સ્વતંત્રતા પર્વની શુભેચ્છા પાઠવી હતી.
મંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું કે, આઝાદીના અમૃતકાળમાં ગુજરાત બમણી ગતિથી વિકાસ કરી રહ્યું છે. @૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત બનાવવાનો સંકલ્પ છે. જેના માટે સ્ટાર્ટઅપ પોલિસી, ગુજરાતના સંતુલિત વિકાસ પર ભાર મૂક્યો છે. આ માટે નારી શક્તિ ની ભાગીદારી વધારવા અનેક યોજનાઓ અમલી છે. વર્ષ ૨૦૨૫ થી ૨૦૩૫ સુધીનો દાયકો હિરક વર્ષ છે.
વધુમાં મંત્રી એ જણાવ્યું કે, ૧૨ જૂને ૨૦૨૫ અમદાવાદ વિમાન દુર્ઘટના ખૂબ દુઃખ ઘટના હતી. આ સમયે વહીવટી તંત્ર દ્વારા, ડોક્ટરો, મેડિકલ ટીમો દ્રારા ખૂબ જ પ્રશંશનીય કામગીરી કરવામાં આવી જેને આ પ્રસંગે બિરદાવી હતી. તેમજ ગુજરાત રાજ્યમાં અંગ પ્રત્યારોપણ કામગીરી અંગે જાણકારી આપતા ઉમેર્યું કે ૨૦૨૧ થી અત્યાર સુધીમાં ૬૫૭ વ્યક્તિ દ્રારા ૨૦૩૯ અંગ દાનમાં મળ્યા જેના કારણે અનેક લોકોના જીવન બચાવી શકાયા છે. આ સાથે મેદસ્વિતા અભિયાન, યોગ પ્રાણાયામને જીવનનો ભાગ બનાવવા અપીલ કરી હતી.
આ પ્રસંગે મેડિકલ કોલેજ હિંમતનગરમાં ઉપલબ્ધ સુવિધા અંગે વિગત આપી સરકાર દ્વારા નાગરિકોના આરોગ્યની લેવાતી કાળજી , શિક્ષણ માટે નમો લક્ષ્મી, નમો સરસ્વતી વિજ્ઞાન યોજનાઓ અંગે જાણકારી આપી હતી. ખેડૂતો, યુવાનો, મહિલાઓને લગતી યોજના તેમજ પ્રવાસન સ્થળના વિકાસ અંગે જાણકારી આપી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની નિશ્રામાં ગુજરાતમાં દશે દિશાઓમાં વિકાસના કાર્યો થઈ રહ્યાં છે. જે રાજ્યની વિકાસની સીમાને વધુ ઉપર લઈ જશે એમ ઉમેર્યું હતું.
મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે, આધુનિક સમાજ વિકાસના નિર્માણમાં મહિલાઓની ભાગીદારી વધારવા જણાવ્યું હતુ. સાબરકાંઠા જિલ્લાની વાત કરતા વિજયનગર પાલ દઢવાવની ખાંભી, સૈનિકોના ગામ કોડિયાવાડા, જિલ્લાના ખેડૂતો કિર્તીમાનનો ગૌરવભેર ઉલ્લેખ કર્યો હતો.
આ પ્રસંગે દેશભક્તિનો ભાવ પ્રગટ કરતા વિવિધ સાંસ્કૃતિક કર્યક્રમો શાળાના વિધાર્થીઓ દ્વારા રજુ કરાયા હતા. મંત્રીશ્રીના હસ્તે વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન, તેમજ સાબરકાંઠા જિલ્લાના વિકાસ ની ગાથા રજૂ કરતા પુસ્તક વિકાસ વાટીકા નું વિમોચન કર્યું હતું. વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તેમજ તાલુકા વિકાસ માટે રૂ. ૨૫ લાખનો ચેક અર્પણ કર્યો હતો.
આ સ્વાતંત્રતા પર્વ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ, સાંસદ શોભનાબેન બારૈયા, હિંમતનગર ધારાસભ્ય વી. ડી. ઝાલા, પ્રાંતિજ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુ, જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, જિલ્લા પોલીસ વડા વિજય પટેલ, પૂર્વ શિક્ષણ મંત્રી જયસિંહ ચૌહાણ, અગ્રણી કનુભાઇ પટેલ, સ્થાનિક અગ્રણીઓ, વિવિધ અમલીકરણ અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, શિક્ષકગણ તેમજ મોટી સંખ્યામાં વિધ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ