અમરેલી, 16 ઓગસ્ટ (હિ.સ.): અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં હાલ મગફળીના પાકમાં ઈયળનો ઉપદ્રવ વધી રહ્યો છે. જિલ્લાના અનેક તાલુકાઓમાં મોટાભાગના ખેડૂતો મગફળીનું વાવેતર કરતા હોય છે અને હાલના સમયગાળામાં પાકની વૃદ્ધિ અને વિકાસ માટે સંવેદનશીલ અવસ્થા હોવાના કારણે જીવાતનો પ્રકોપ ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે. ખાસ કરીને લશ્કરી ઈયળ અને લીલી ઈયળ નું નુકસાન અનેક ખેતરોમાં સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે.
સાવરકુંડલા તાલુકાના ખેડૂત મુકેશભાઈ ગોંડલીયાએ જણાવ્યું કે તેઓએ પોતાની દસ વિઘા જમીનમાં મગફળીનું વાવેતર કર્યું છે. શરૂઆતમાં પાક સારી રીતે વિકસતો હતો, પરંતુ છેલ્લા દસેક દિવસથી ઈયળના ઉપદ્રવમાં અચાનક વધારો થયો છે. રાત્રીના સમયે ઈયળ પર્ણને ઝડપી ગતિએ ખાઈ નાખે છે અને દિવસ દરમિયાન પાંદડાની અંદર છુપાઈ રહે છે. જેના કારણે મગફળીના છોડના પર્ણ વિસ્તાર ઘટી જાય છે અને પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા પર અસર થાય છે. તેમણે જણાવ્યું કે કેટલીક જગ્યાએ ઈયળ પાકના નાની ડોકીઓ અને ફૂલને પણ ખાઈ જાય છે, જેના કારણે છોડની વૃદ્ધિ અને વિકાસ અટકી જાય છે અને અંતે ઉપજમાં સીધી ઘટાડો થાય છે.
ભાવેશભાઈ પીપળીયા, કૃષિ વિભાગના અધિકારીએ જણાવ્યું કે મગફળીના પાકમાં સામાન્ય રીતે પાંદડા વાળવી ઈયળ સળીયાવાળી ઈયળ, ફળીબોરર ઈયળ, ઉપરાંત હાલ લશ્કરી ઈયળ અને લીલી ઈયળ જેવા જીવાતોનું પ્રમાણ વધી રહ્યું છે. જો યોગ્ય સમયે નિયંત્રણ ન કરવામાં આવે તો આવા જીવાતો પાકને 40 થી 60 ટકાં સુધીનું નુકસાન પહોંચાડી શકે છે. તેઓએ ખેડૂતોને પાકની નિયમિત તપાસ (મોનિટરિંગ) કરવાની સલાહ આપી છે જેથી જીવાતની સંખ્યા વધતા પહેલા જ નિયંત્રણ શક્ય બને.
તેમણે વધુમાં જણાવ્યું કે ઈયળના નિયંત્રણ માટે સંકલિત જીવાત વ્યવસ્થાપન (IPM) પદ્ધતિ અપનાવવી જોઈએ. જેમાં પ્રારંભિક અવસ્થામાં જીવાત પકડવા માટે ફેરોમોન ટ્રેપ અથવા લાઈટ ટ્રેપનો ઉપયોગ કરવો, નુકસાનગ્રસ્ત છોડના ભાગોને કાપી નાશ કરવો અને કુદરતી શત્રુઓ ના સંવર્ધન પર ધ્યાન આપવું જોઈએ.
રાસાયણિક નિયંત્રણ માટે તેમણે નીચેની દવાઓની ભલામણ કરી: એમામેક્ટિન બેનઝોએટ 5% SG – 0.4 ગ્રામ પ્રતિ લીટર પાણી અથવા સ્પિનોસાડ 45% SC – 0.3 મિ.લી. પ્રતિ લીટર પાણી અથવા ઇન્ડોક્સાકાર્બ 14.5% SC – 0.75 મિ.લી. પ્રતિ લીટર પાણી
ક્લોરાન્ટ્રાનીલિપ્રોલ 18.5% SC 0.3 મિ.લી. પ્રતિ લીટર પાણી ભેળવી છટકાવ કરવો જરૂરી છે.
છંટકાવ હંમેશા સાંજના સમય અથવા વહેલી સવારે કરવો, જેથી દવાનો પ્રભાવ વધારે સમય સુધી રહે અને પરાગી જીવાતો જેમ કે મધમાખી પર ઓછો પ્રભાવ પડે. સતત એક જ પ્રકારની દવા વાપરવાને બદલે જુદી-જુદી ક્રિયાપદ્ધતિ ધરાવતી દવાનો ફેરબદલ કરીને ઉપયોગ કરવો જોઈએ, જેથી જીવાતોમાં રાસાયણિક પ્રતિકારશક્તિ ન વિકસે.
ખેડૂતોને સલાહ આપવામાં આવી છે કે નજીકના એગ્રીકલ્ચર સેન્ટર અથવા કૃષિ વિભાગના કાર્યાલયનો સંપર્ક કરી પાકની હાલત અનુસાર યોગ્ય દવા અને ડોઝ વિશે માર્ગદર્શન મેળવવું જોઈએ. અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં હાલ પાકની ઉંમર 35 થી 45 દિવસ વચ્ચે છે, જે સમયે મગફળીના છોડ માટે પર્ણ અને ફૂલનું સંરક્ષણ ખૂબ જ જરૂરી છે. જો આ અવસ્થામાં ઈયળનો ઉપદ્રવ કાબૂમાં ન લાવવામાં આવે તો ઉત્પાદન ક્ષમતા પર ગંભીર અસર પડી શકે છે.
કૃષિ નિષ્ણાતો ખેડૂતોને આગાહી આપી રહ્યા છે કે આગામી દિવસોમાં વાતાવરણ ભેજયુક્ત રહેશે, જે ઈયળના વિકાસ માટે અનુકૂળ છે. તેથી ખેતરોની નિયમિત તપાસ કરીને, પ્રાથમિક લક્ષણ દેખાતા જ તાત્કાલિક નિયંત્રણ પગલાં લેવાં અનિવાર્ય છે. આ રીતે સમયસર પગલાં લેવાથી પાકનું સંરક્ષણ થઈ શકે છે અને ખેડૂતોને આર્થિક નુકસાનથી બચાવી શકાય છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai