પાટણ, 16 ઓગસ્ટ (હિ.સ.)પાટણની સરસ્વતી નદીના કિનારે આવેલા પ્રાચીન હરિ હરેશ્વર મહાદેવ મંદિરે જન્માષ્ટમી નિમિત્તે આજે વહેલી સવારથી જ ભક્તોની ભીડ ઉમટી હતી. શ્રદ્ધાળુઓએ શિવલિંગના દર્શન કરી દૂધ અને જળનો અભિષેક કરીને ધન્યતા અનુભવી હતી.
આ મંદિરમાં શ્રી મોઢેશ્વરી માતા, સૂર્યનારાયણ ભગવાન સહિત અનેક દેવસ્થાનો આવેલા છે. જન્માષ્ટમી પર્વે પરંપરાગત લોકમેળો યોજાય છે, જોકે સમય જતાં તેનો મહત્વ ઘટતું જાય છે. ભક્તોએ બ્રહ્મકુંડના દર્શન સાથે સુખડ-ચંદનની આરચા કરાવવાની વિશેષ ભાવના વ્યક્ત કરી હતી.
પાટણના લોકજીવનમાં લોકમેળા, ઉત્સવો અને ધાર્મિક તહેવારોનું આગવું મહત્વ છે. શ્રાવણ માસના કૃષ્ણપક્ષમાં શરૂ થતા પરબલા તહેવાર સાથે જન્માષ્ટમીની ઉજવણી થતી આવી છે. આ પ્રાચીન પરંપરા અને શિવ દર્શનનો મહિમા આજે પણ અકબંધ રહ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર