ગીર સોમનાથ જિલ્લાના જીવિત છેલ્લા સ્વાતંત્ર્ય સેનાની, પ્રતાપરાય છોટાલાલ પાઠકનું જાહેર સન્માન
ગીર સોમનાથ 16 ઓગસ્ટ (હિ.સ.) આજે સમગ્ર ભારતવર્ષ ભારતની સ્વતંત્ર થયાનાં ૭૯ વર્ષની ઉજવણી કરી રહ્યું છે. ત્યારે આજે આપણે વાત કરવી છે, એવા સ્વાતંત્ર્ય સેનાનીની કે જેમણે ગુજરાતની સરહદને અડીને આવેલા અને એક સમયે જેના પર પોર્ટુગીઝોનું રાજ હતું તેને મુક્ત કરાવ
જિલ્લાના જીવિત છેલ્લા સ્વાતંત્ર્ય સેનાની પ્રતાપરાય છોટાલાલ પાઠકનું જાહેર સન્માન


ગીર સોમનાથ 16 ઓગસ્ટ (હિ.સ.) આજે સમગ્ર ભારતવર્ષ ભારતની સ્વતંત્ર થયાનાં ૭૯ વર્ષની ઉજવણી કરી રહ્યું છે. ત્યારે આજે આપણે વાત કરવી છે, એવા સ્વાતંત્ર્ય સેનાનીની કે જેમણે ગુજરાતની સરહદને અડીને આવેલા અને એક સમયે જેના પર પોર્ટુગીઝોનું રાજ હતું તેને મુક્ત કરાવવા માટે નાની વયે જેલવાસ ભોગવ્યો હતો.

ઉનાના ૯૦ વર્ષના શ્રી પ્રતાપરાય છોટાલાલ પાઠકનું પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ ૧૫મી ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વે ગીરગઢડા ખાતે આયોજિત કાર્યક્રમમાં શાલ અને પ્રશસ્તિપત્ર આપીને સન્માન કર્યું હતું.

૧૭ જુલાઈ, ૧૯૩૭ના રોજ જન્મેલા પ્રતાપરાય પાઠકે દિવ મુક્તિ સંગ્રામમાં સ્વાતંત્ર્ય સેનાની તરીકે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ જ્યારે ધોરણ ૭માં ભણતાં હતાં ત્યારે માત્ર ૧૩ વર્ષની ઉંમરે દિવ મુક્તિ માટેની ચળવળમાં જોડાયાં હતાં. આ ચળવળ દરમિયાન તેમણે પોર્ટુગીઝ શાસન વિરૂદ્ધ જાગૃતિલક્ષી પત્રિકાઓ વહેંચવાની કામગીરી કરી હતી.

જસવંત મહેતાની આગેવાની હેઠળ પ્રતાપરાય પાઠક સહિત તેમના સાથીદારો રસિકભાઈ આચાર્ય, ગિરધરભાઈ વાઘેલા, મનુભાઈ જોશી, નવીનભાઈ જોશી અને છેલશંકરભાઈ પાઠક સાથે મળીને દિવના વિસ્તારમાં જનજાગૃતિ અભિયાન હાથ ધર્યું હતું. આ પત્રિકાની વહેંચણી કરતાં તેઓ ઝડપાયાં હતાં અને તેમને જેલમાં ધકેલવામાં આવ્યાં હતાં.

આ જનજાગૃતિ અભિયાન બદલ પ્રતાપરાયે પોલીસનો માર સહન કર્યો અને જેલવાસ પણ ભોગવ્યો હતો. હાલ, ૯૦ વર્ષની ઉંમરે પ્રતાપરાય પાઠક ગીર સોમનાથ જિલ્લાના એકમાત્ર જીવિત સ્વાતંત્ર્ય સેનાની છે. તેમની આ કામગીરીને બીરદાવતાં રાજ્ય સરકાર દ્વારા તેમને પ્રતિમાસ રૂ. ૧૦,૦૦૦નું પેન્શન આપી તેમનું યથોચિત સન્માન કરવામાં આવી રહ્યું છે.

તેમની આ કામગીરી માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ સહિત અનેક મહાનુભાવોએ પ્રતાપરાયનું શાલ ઓઢાડી સન્માન કરી ચૂક્યાં છે.

ઉલ્લેખનીય છે કે, દિવ-દમણમાં ૧૯ ડિસેમ્બરે મુક્તિ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ૧૯૬૧માં ભારત સરકારે ઓપરેશન વિજય નામનું લશ્કરી અભિયાન શરૂ કર્યું હતું. જે અંતર્ગત દિવ, દમણ અને ગોવા પોર્ટુગીઝ શાસનમાંથી મુક્ત થયાં હતાં અને ભારત દેશનો ભાગ બન્યાં હતાં.

આજે આપણે જ્યારે સ્વાતંત્ર્યતા દિવસની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે શ્રી પ્રતાપરાય જેવા અનેક નામી-અનામી લોકોએ આ દેશને સ્વાતંત્ર ચળવળમાં કોઈને કોઈ રીતે ભાગ લીધો છે. તેઓએ અંગ્રેજોની લાઠીનો માર સહન કર્યો છે, જેલવાસની યાતના ભોગવી છે અને અનેક વિટંબણાઓ વચ્ચે પણ જીવનના છેલ્લા શ્વાસ સુધી ભારતની આઝાદી માટે કર્તવ્યરત રહ્યાં છે.

આવા કર્મઠ અને સ્વતંત્રતા માટે ખપી જનાર લોકોને કારણે જ આપણે સ્વતંત્રતાનો શ્વાસ માણી રહ્યા છીએ અને આપણી આઝાદીનો ઉત્સવ આજે ઉજવી રહ્યાં છીએ. આવા શહીદવીરોને કોટી કોટી વંદન છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande