સુરત, 16 ઓગસ્ટ (હિ.સ.)-સુરત જિલ્લા પંચાયત ખાતે 15મી ઓગસ્ટ 79માં સ્વાતંત્ર્ય દિવસ સન્માનપુર્ણ અને દેશપ્રેમસભર વાતાવરણમાં ઉજવાયો હતો. આ પ્રસંગે સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ ભાવિનીબેન પટેલે ધ્વજવંદન કર્યુ હતું.
જિલ્લા પંચાયત પ્રમુખે દેશની આઝાદી માટે જીવન સમર્પિત કરનાર નામી-અનામી સ્વાતંત્ર્યવીરોને યાદ કરીને વંદન કર્યા હતા. સુરત જિલ્લાના મહિલા અને બાળ કલ્યાણ, આરોગ્ય, સિંચાઇ, કૃષિ અને શિક્ષણ ક્ષેત્રે હાથ ધરાયેલી મહત્વપુર્ણ પહેલોની વિગતો રજુ કરતાં જણાવ્યું હતું કે સુરત જિલ્લા પંચાયત દ્વારા પોષણ સંગમ સુરત નામની નવી પહેલ શરૂ કરવામાં આવી છે જેમાં ખાસ કરીને આદિજાતી વિસ્તારના કુપોષિત બાળકોની ઓળખ કરી યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે છે. વધુમાં ગત વર્ષે સુરત જિલ્લા દ્વારા જળસંચય જનભાગીદારી અભિયાન હેઠળ 56,000 થી વધુ કામો પુર્ણ કરી મોખરે દેશમાં ટોપ-10 માં સ્થાન મેળવ્યું હતું. જિલ્લા પંચાયત દ્વારા આ સિધ્ધીને આગળ ધપાવતા આ વર્ષે તમામ કામો આ વર્ષે પણ સ્વભંડોળ પ્રોત્સાહક યોજના લોન્ચ કરવામાં આવી છે. વધુમાં, પ્લોટ વિહોણા લાભાર્થીઓને 100 થી વધુ સંખ્યામાં એક સાથે પ્લોટ ફાળવણી અને આવાસ મંજુરી કરવામાં આવી છે. તેજ રીતે પલસાણા ગ્રામ પંચાયત રાષ્ટ્રીય કક્ષાએ NATIONAL E-GOVERNANCE AWARD મેળવેલ છે. જે આપણા સૌ માટે ગૌરવની વાત છે. તેમજ જિલ્લાએ સમગ્ર ગુજરાત રાજ્યમાં પહેલ કરીને સુરત શહેરના વેસુ ખાતે સૌપ્રથમ પ્રાકૃતિક ખેતીના વેચાણ માટેનું માર્કેટ બનાવવામાં આવ્યું છે. જેમાં છ મહિનામાં અંદાજિત 51 લાખની પ્રાકૃતિક ખેત પેદાશોનું ખેડુતોએ વેચાણ કર્યું છે.
જિલ્લા પંચાયત દ્વારા જિલ્લાના જુદા જુદા સ્થળોએ ખેડુતો ખેતપેદાશ વેચી શકે તેના માટે 25 જેટલા પોર્ટેબલ ટેન્ટ પણ આપવામાં આવ્યા છે.
વધુમાં કહ્યું કે, પ્રવર્તમાન સમયમાં વડાપ્રધાનશ્રીના લોકલ ફોર વોકલ અને આત્મનિર્ભરની સંકલ્પનાને ધ્યાને લઇ સ્વદેશી સામાન ઉપયોગ કરવાની પ્રતિજ્ઞા લઈ જનજાગૃતિ માટે સ્વદેશી રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. પ્રમુખશ્રીએ સ્વદેશી સ્ટોલ મુલાકાત લઈને સૌને અભિયાનમાં જોડાવાનો અનુરોધ કર્યો હતો.
આ અવસરે શ્રેષ્ઠ કામગીરી બદલ અધિકારીઓ, કર્મચારીઓને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે “રાષ્ટ્રપ્રેમ સાથે માનવતા” થીમ હેઠળ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. જેમાં 70 જેટલા લોકોએ રક્તદાન કરી કેમ્પને સફળ બનાવ્યો હતો.
આ અવસરે જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ, સમિતિના અધ્યક્ષ, જિલ્લા પંચાયત સભ્યો, વિભાગીય અધિકારીઓ, કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે