જૂનાગઢ જિલ્લા કલેકટર તેજસ પરમારના હસ્તે, ૭૯માં સ્વાતંત્ર્ય પર્વે માણાવદર ખાતે ધ્વજ વંદન : રાષ્ટ્રધ્વજને સલામી આપી પરેડ નિરીક્ષણ કર્યું
જૂનાગઢ, 16 ઓગસ્ટ (હિ.સ.) જૂનાગઢ જિલ્લા ઈન્ચાર્જ કલેકટર તેજસ પરમારે ૭૯માં સ્વાતંત્ર્ય પર્વે માણાવદરના આઈસ મીલ કમ્પાઉન્ડ,મીતડી રોડ, ખાતે ધ્વજવંદન કર્યું હતું. આ સાથે તેમણે રાષ્ટ્રધ્વજને સલામી આપી ખુલ્લી જીપમાં પરેડ નિરીક્ષણ કર્યું હતું. કલેકટ
રાષ્ટ્રધ્વજને સલામી આપી પરેડ નિરીક્ષણ કર્યું


જૂનાગઢ, 16 ઓગસ્ટ (હિ.સ.) જૂનાગઢ જિલ્લા ઈન્ચાર્જ કલેકટર તેજસ પરમારે ૭૯માં સ્વાતંત્ર્ય પર્વે માણાવદરના આઈસ મીલ કમ્પાઉન્ડ,મીતડી રોડ, ખાતે ધ્વજવંદન કર્યું હતું. આ સાથે તેમણે રાષ્ટ્રધ્વજને સલામી આપી ખુલ્લી જીપમાં પરેડ નિરીક્ષણ કર્યું હતું.

કલેકટર એ સ્વાતંત્ર્ય પર્વે સંબોધન કરતા નાગરિકોને સ્વાતંત્ર્ય દિનની શુભકામનાઓ પાઠવી હતી, આ પ્રસંગે તેમણે દેશને આઝાદી અપાવવા બલિદાન આપનાર વીર સ્વાતંત્ર્ય સેનાનીઓનું પુણ્ય સ્મરણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં કલેકટર એ માણાવદર તાલુકાના વિકાસ કાર્યો માટે રૂ. ૨૫ લાખનો ચેક અર્પણ કર્યો હતો.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ રાષ્ટ્રીય પર્વના અવસરે કલેકટર એ જણાવ્યું કે,ભારતની આઝાદી અપાવનાર સ્વાતંત્ર્ય વીરોના જીવનમાંથી પ્રેરણા લઈને રાષ્ટ્ર માટે સમર્પિત થવાનો આજે આપણે સૌ સંકલ્પ કરીએ. આપણી દેશની આઝાદી માટે શહીદી વહોરનારા સપૂતોએ ભાવી પેઢી સ્વતંત્ર રહી તેમના જીવનનો અને સમાજનો વિકાસ કરે તેવા ઉન્નત ભારતનું સપનું જોયું હતું.આ સપનાને સાકાર કરવા આજે ગુજરાતના સપુત અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની જનતાને ભારતના નવનિર્માણ માં સાથે રાખીને અભિયાન છેડ્યું છે. ભારત માતા વિશ્વ જનની બંને, ભારત વિશ્વ ગુરુ તરીકે પ્રસ્થાપિત થાય તે દિશામાં દેશ આજે આગળ વધી રહ્યો છે ત્યારે રાજ્ય અને દેશના યુવાનો આ વિકાસ યાત્રામાં સહભાગી થયો છે.

કલેકટ એ તેમના ઉદબોધનમાં જણાવ્યું હતું કે, આપણા દેશના વીર જવાનોને કોટી કોટી અભિનંદન અને સો સો સલામ. સેનાએ ઓપરેશન સિંદુર દ્વારા જે શોર્ય દાખવ્યું છે તેના પર ભારતીયોને ગર્વ છે.

ગુજરાતમાં વિકાસમાં જુનાગઢ જિલ્લાનું પણ મહત્વનું યોગદાન રહ્યું છે.તેમ જણાવતા કલેકટર એ કહ્યું હતું કે,સંત સુરા અને સાવજ ની આ પાવન ધરા જૂનાગઢ જીલ્લો ઐતિહાસિક, પ્રવાસન ,ધાર્મિક ,સંસ્કૃતિ અને કલાની દ્રષ્ટિએ રાજ્યભરમાં ખૂબ જ મહત્વનું ધરાવે છે.

કલેકટર એ જુનાગઢ જિલ્લાની છેલ્લા એક વર્ષની કાર્ય સિદ્ધિનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, જૂનાગઢ જિલ્લામાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાના ૩૯,૭૦૦ જેટલા વિદ્યાર્થીઓને તમામ વિષયના પાઠ્યપુસ્તકો વિનામૂલ્ય રાજ્ય સરકારે પૂરા પાડ્યા છે.જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કુલ ૨૦ જેટલા આચાર્યો અને ૨૨૨ શિક્ષણ સહાયકની નિમણૂક પણ કરવામાં આવી છે.જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં સુવિધાઓ અને ગુણાત્મક પરિવર્તનના કારણે ૧૩૨૨ જેટલા વિદ્યાર્થીનીઓએ ખાનગી શાળા છોડી સરકારી પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવ્યો છે. ખેડૂતોની આવક વધારવાના ભાગરૂપે શરૂ થયેલ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જૂનાગઢ જિલ્લાના ખેડૂતોને રૂપિયા ૩૧.૮૮ કરોડથી વધુની સહાય તેમના બેન્ક એકાઉન્ટમાં જમા કરવામાં આવી છે.આ ઉપરાંત બાગાયત વિભાગ તરફથી વિવિધ યોજનાઓ માટે ૫૧૩૬ લાભાર્થીઓને રૂપિયા ૮૯૯.૨ લાખની સહાય ચૂકવવામાં આવી છે. ચોમાસા દરમિયાન ખેડ વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીના કાયમી નિકાલ માટે રાજ્ય સરકાર દ્વારા કુલ રૂપિયા ૧૫૩૪ .૧૯ કરોડની માતબર રકમની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.

આન,બાન અને શાન સાથે થયેલી આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં વિદ્યાર્થીઓએ દેશભક્તિસભર અને રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.

આ પ્રસંગે કલેકટરના હસ્તે સરકારી સેવામાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર કર્મયોગીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે કલેકટર સહિતના મહાનુભાવોએ પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી,શિક્ષણ સમિતિના ચેરમેન સાકરબેન દીવરાણીયા, જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા,જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી એચ.પી.પટેલ,નિવાસી અધિક કલેકટર કે.બી.પટેલ,પ્રાંત અધિકારી કનકસિંહ ગોહિલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જાડેજા, સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande