ભુજ – કચ્છ, 16 ઓગસ્ટ (હિ.સ.) કચ્છની ધરતી અવારનવાર ધણધણ્યા કરી રહી છે ત્યારે 15મી ઓગસ્ટે વધુ એક નાનુ કંપન સિસ્મોલોજી વિભાગે નોંધ્યું હતું. જો કે આ આંચકો માઇનોર કેટેગરીનો હતો. જેની તીવ્રતા 2.6ની નોંધાઇ હતી.
15મી ઓગસ્ટે સાંજે હળવો આંચકો નોંધાયો
ભુજ તાલુકાના સરહદી વિસ્તાર ખાવડાથી 32 કિલોમીટરના અંતરે 15મી ઓગસ્ટે સાંજે 6.33 વાગ્યાના અરસામાં ધરતીમાં આંચકો અનુભવાયો હતો. અંતરિયાળ ભાગમાં ધરામાં હલચલ થઇ હોવાના લીધે ગ્રામીણ વિસ્તારમાં ખાસ અસર વર્તાઇ ન હતી. થોડા સમય પહેલાં ગોરા ડુંગર વિસ્તારની ભૂમિમાં 4ની તીવ્રતામાં ભારે કંપન નોંધાયું હતું.
કચ્છમાં 10થી વધુ સક્રિય અને સુષુપ્ત ફોલ્ટલાઇન
ઉલ્લેખનિય છે કે, ગત એક માસ દરમિયાન 10થી વધુ વખત કચ્છ જિલ્લાની ધરતીમાં કંપન થયું છે. ભૂકંપ ઝોન પાંચમાં આવતા આ જિલ્લામાં હિમાલયન પ્લેટ અને પાકિસ્તાનના નગરપારકર ફોલ્ટ સહિતની સંખ્યાબંધ સુષુપ્ત અને જાગૃત ફોલ્ટલાઇન છે. તબક્કાવાર જુદી જુદી ફોલ્ટલાઇનમાંથી ઊર્જા છૂટી પડતી રહે છે અને આંચકા આવે છે. સક્રીય ફોલ્ટમાંથી આવતા કંપનો સારી બાબત ગણાવાય છે પરંતુ લાંબા સમયથી જ્યાં આંચકો ન આવ્યો હોય ત્યાં જો 4ની તીવ્રતાથી વધુનો આંચકો આવે એ ભૂસ્તરશાસ્ત્રની દ્રષ્ટિએ ચિંતાનો વિષય છે.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA