અમરેલી, 16 ઓગસ્ટ (હિ.સ.): આધુનિક ટેકનોલોજી અને મોબાઇલ ગેમ્સના યુગમાં ભારતની અનેક પરંપરાગત રમતો ધીમે ધીમે ઇતિહાસના પાનાંઓમાં સીમિત થઈ રહી છે. એવી જ એક લોકપ્રિય અને વર્ષો જૂની રમત છે ચોપાટ. અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ કેટલીક જગ્યાએ આ રમતને જીવંત રાખવા માટે જન્માષ્ટમી જેવા તહેવારોમાં ખાસ ચોપાટ ગોઠવવામાં આવે છે.
જન્માષ્ટમીના તહેવારમાં ગામના ચોરાહે અથવા મોટા ઓટલા પર મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ચોપાટ રમતા જોવા મળતા હતા. ચાર બાજુ ખેલાડીઓ બેઠા રહેતા અને વચ્ચે લાકડાના કૂકરા અને પાનસાં વડે રમત ચલાવવામાં આવતી. કૂકરા ખાસ કરીને મજબૂત લાકડાથી બનાવવામાં આવતા, જેથી તે લાંબા સમય સુધી ટકાઉ રહે. એક સમય એવો હતો જ્યારે ગામના યુવાનો થી લઈને વડીલો સુધી ચોપાટમાં કલાકો સુધી રસપૂર્વક રમતા હતા, પણ હવે આવા દૃશ્યો દુર્લભ બન્યા છે.
ચોપાટ બનાવવાનું કામ પણ એક ખાસ કુશળતા હતું. ગામમાં રહેતા કેટલાક ખાસ પ્રકારના દરજી આ ચોપાટનું સીવણ કામ કરતા. તેઓ રંગીન કાપડમાં કારીગરી કરીને ચોપાટ તૈયાર કરતા અને તેની વચ્ચે રમવાની ચોરસ ઘાટો બનાવતા. લાકડાના કૂકરા બનાવવા માટે કારગરો મજબૂત કાઠ વાપરતા. આ કામ માટે ધીરજ, કુશળતા અને પરંપરાગત જ્ઞાન જરૂરી હતું.
પરંતુ આજે બદલાતી જીવનશૈલી, મોબાઇલ ગેમ્સ, ટીવી અને ઈન્ટરનેટના કારણે યુવાપેઢી પરંપરાગત રમતો પ્રત્યે ઓછું આકર્ષણ ધરાવે છે. પરિણામે ચોપાટ બનાવતા કારીગરોની સંખ્યા ઘટી ગઈ છે, અને તેના કારણે આ રમત લગભગ લુપ્ત થવાની કગારમાં છે. છતાં અમરેલી જિલ્લાના કેટલાક ગામોમાં વડીલો અને સામાજિક સંગઠનો તહેવારો દરમ્યાન ચોપાટ ગોઠવીને યુવાનોને આ રમત શીખવે છે.
ચોપાટ માત્ર એક રમત નહોતી, પરંતુ તે સામાજિક મિલનનું કેન્દ્ર હતી. રમતાં રમતાં લોકો વચ્ચે વાતચીત, હાસ્ય-વિનોદ, અનુભવ વહેંચણી અને સાંસ્કૃતિક પરંપરા જીવંત રહેતી. વડીલો પોતાના બાળપણની યાદો તાજી કરતા અને યુવાનોને ગામની જૂની રીત-રિવાજો વિશે માહિતગાર કરતા.
સ્થાનિક વડીલોનું માનવું છે કે ચોપાટને પુનર્જીવિત કરવા માટે શાળાઓ, ગ્રામ પંચાયત અને સાંસ્કૃતિક મંડળોએ તહેવારો, મેળાઓ અને ખાસ કાર્યક્રમોમાં ચોપાટ સ્પર્ધાનું આયોજન કરવું જોઈએ. સાથે સાથે, ચોપાટ બનાવતા પરંપરાગત કારીગરોને પ્રોત્સાહન આપીને તેમની કારીગરીને સાચવવી જરૂરી છે.
જ્યાં સુધી ગામના લોકો અને સમાજસેવકો આવા પ્રયત્નો કરતા રહેશે, ત્યાં સુધી ચોપાટ જેવી લોકરમતને ફરીથી લોકપ્રિય બનાવવી શક્ય છે. આ માત્ર એક રમત નહિ, પરંતુ પેઢીથી પેઢીને જોડતી સાંસ્કૃતિક કડી છે, જેને જાળવવી આપણી સૌની જવાબદારી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai