ગાંધીનગર, 17 ઓગસ્ટ (હિ.સ.): મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદ આધ્યાત્મિક વર્ષાયોગ 2025માં સહભાગી થયા હતા.
મુખ્યમંત્રીએ અમદાવાદ ગુજરાત યુનિવર્સીટી ખાતે યોજાયેલ આધ્યાત્મિક વર્ષાયોગ અને પ્રાકૃત ભાષાના સત્કાર સમારંભમાં ઉપસ્થિત રહી ચાતુર્માસમાં અમદાવાદ શહેરમાં પધારેલા પરમ પૂજ્ય આચાર્ય શ્રી સુનિલ સાગરજી અને દિગમ્બર મુનિશ્રીઓના આશીર્વાદ મેળવ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જે સેવા દાયિત્વ સાંભળવાનું આવ્યું છે એ ખૂબ નિષ્ઠા અને કર્તવ્યભાવથી સંભાળી શકીએ અને વડાપ્રધાનશ્રીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા વિકસિત ગુજરાતની દિશામાં આગળ વધી શકીએ તેવા કૃપા આશિષ ની વાંછના આચાર્ય મુનિ શ્રી સુનિલ સાગરજીના દર્શન દરમ્યાન કરી હતી.
મુખ્યમંત્રીએ સૌની સુખ, શાંતિ અને સમૃદ્ધિના આશીર્વાદ માટે આચાર્ય મુનિઓના ચરણોમાં પ્રાર્થના કરી હતી.
મુખ્યમંત્રીએ ભારતની પ્રાચીન ભાષા એવી પ્રાકૃત ભાષાના ગ્રંથનું વિમોચન કર્યું હતું અને પ્રાકૃત ભાષાના જ્ઞાની આચાર્ય શ્રી સુનિલ સાગરજીને પ્રાકૃત પ્રભાકરની વિશિષ્ટ ઉપાધિ એનાયત કરી તેમનું સન્માન કર્યું હતું. પરમ પૂજ્ય આચાર્ય સુનિલ સાગરજીએ જણાવ્યું કે, આપણા દેશની સૌથી પ્રાચીન ભાષા પ્રાકૃત છે એનું સન્માન થવું જોઈએ.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રાકૃત ભાષાને નેશનલ ક્લાસિક્લ લેંગ્વેજ જાહેર કરીને પ્રાકૃત ભાષા નું ઉચિત ગૌરવ કર્યું છે એમ પણ તેમણે જણાવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય કૌશિકભાઈ જૈન, પૂર્વ મેયર ગૌતમભાઈ શાહ, જૈન અગ્રણીઓ રાજેશભાઈ શાહ, કપિલભાઈ શાહ, ઋષભ જૈન, યોગેશભાઈ શાહ સહિત વિશાળ સંખ્યામાં જૈન સમાજના ભાવિકભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ