અમરેલી, 17 ઓગસ્ટ (હિ.સ.) રાજુલા નગરના સુખનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસના પવિત્ર પ્રસંગે આજે બિલ્વપત્ર યજ્ઞ તથા સ્વચ્છતા અભિયાનનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. શ્રાવણ મહિનામાં ભગવાન શિવની ભક્તિમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાતા હોય છે, જેમાં ભક્તો મોટી સંખ્યામાં ભાગ લે છે. આ પ્રસંગે રાજુલા ભક્ત મંડળના ચિરાગ બી. જોષીના માર્ગદર્શન હેઠળ બિલ્વપત્ર પૂજન, પક્ષીઓ માટે માળા વિતરણ અને મંદિર આસપાસ વ્યાપક સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું.
કાર્યક્રમમાં સુખનાથ મહાદેવ મંદિરના મહંત કાશીગિરી બાપુ, કુંભનાથ મહાદેવ મંદિરના મહંત ધીરજગિરી બાપુ, મારૂતિ ધામના મહંત ભાવેશ બાપુ ઝોડલિયા, તેમજ ધુધરીયાળી માતાજી મંદિરના મહંત અશોક બાપુ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત નાગરિક બેંકના ચેરમેન મહેન્દ્રભાઈ ધાખડા, પરાગભાઈ જોષી, પંડ્યાભાઈ, સાહિત્યકાર જસુભાઈ દવે અને અનેક પ્રતિષ્ઠિત ભક્તજનોની હાજરીમાં આ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.
આજે સવારે બિલ્વપત્ર યજ્ઞનો પ્રારંભ ભક્તિ ગીતો અને મંત્રોચ્ચાર સાથે થયો હતો. ભક્તોએ સમૂહમાં મળીને ભગવાન શિવને બિલ્વપત્ર અર્પણ કર્યા હતા. માન્યતા મુજબ બિલ્વપત્ર દ્વારા ભગવાન શિવની આરાધના કરવાથી ભક્તોના સર્વ દુઃખો દૂર થાય છે અને જીવનમાં સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. મંદિરના મહંત કાશીગિરી બાપુએ પોતાના આશીર્વચન આપતા જણાવ્યું કે બિલ્વપત્રનું આધ્યાત્મિક તેમજ ઔષધીય મહત્વ છે, અને તેનો સ્પર્શ જીવનમાં શાંતિ તેમજ આરોગ્ય લાવે છે.
બિલ્વપત્ર યજ્ઞ પછી મંદિર પ્રાંગણ તેમજ આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું. ભક્તોએ મળીને મંદિરના આંગણામાં અને બાલવાટિકા વિસ્તારમાં સફાઈ કરી હતી. કચરો દૂર કરીને સ્વચ્છતા જાળવવાનો સંદેશ આપવામાં આવ્યો. મહંત અશોક બાપુએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે “સુખનાથ મહાદેવ મંદિર ઐતિહાસિક મહત્વ ધરાવે છે. અહીં આયોજિત સ્વચ્છતા અભિયાન મંદિરના ગૌરવમાં વધારો કરે છે અને શ્રાવણ માસમાં ભગવાન શિવની ભક્તિ સાથે સ્વચ્છતાનું યોગદાન આપવું એ સાચી સેવા છે.”
કાર્યક્રમના બીજા તબક્કામાં પક્ષીઓ માટે માળા વિતરણ યોજાયું. ચિરાગ બી. જોષી તથા ભક્ત મંડળના સભ્યો દ્વારા પક્ષીઓ માટે પાણી અને દાણા ભરેલી માળાઓ ગામના વિવિધ વિસ્તારોમાં વિતરણ કરવામાં આવી હતી. મહેન્દ્રભાઈ ધાખડાએ જણાવ્યું કે “આવો કાર્યક્રમ માત્ર ધાર્મિકતા પૂરતો સીમિત નથી પરંતુ પર્યાવરણ અને પક્ષીઓની સંભાળ સાથે માનવતાનું પ્રતિબિંબ છે. શ્રાવણ માસ દરમિયાન હજારો ભક્તોએ બિલ્વપત્ર પૂજનનો લાભ લીધો છે, સાથે જ પક્ષીઓ માટેના માળા વિતરણથી કાર્યક્રમને અનોખું રૂપ મળ્યું છે.”
ભક્ત મંડળના બળુભાઈ, કેતનભાઈ દવે તેમજ જીવાદાદાએ કાર્યક્રમને સફળ બનાવવા માટે અવિરત મહેનત કરી હતી. સાહિત્યકાર જસુભાઈ દવેએ પોતાના અભિપ્રાયમાં જણાવ્યું કે “આવો કાર્યક્રમ સમાજ માટે પ્રેરણાદાયક છે. બિલ્વપત્ર યજ્ઞથી આધ્યાત્મિક તૃપ્તિ મળે છે, જ્યારે સ્વચ્છતા અભિયાન અને પક્ષી સંરક્ષણ દ્વારા પ્રકૃતિ પ્રત્યેની ફરજ નિભાવાય છે.”
આયોજક ચિરાગ બી. જોષીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે, આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ભક્તોને સમૂહમાં કાર્ય કરવાની પ્રેરણા આપવાનો છે. તેમણે બિલ્વપત્રના ઔષધીય ગુણોની માહિતીઓ આપી અને જણાવ્યું કે બિલ્વપત્રને આરોગ્ય માટે પણ અત્યંત લાભદાયી માનવામાં આવે છે. તેમણે ઉમેર્યું કે સમાજના તમામ વર્ગના ભક્તોએ એકજ મંચ પર આવીને શ્રાવણ માસના પવિત્ર સમયમાં ભક્તિ તથા સેવા બંને કાર્યોમાં જોડાઈને સુખનાથ મહાદેવ મંદિરની ગૌરવગાથામાં વધારો કર્યો છે.
કાર્યક્રમના અંતે તમામ ભક્તજનોને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો. ઉપસ્થિત મહંતો અને આગેવાનોના આશીર્વચનોથી કાર્યક્રમને વધુ પવિત્રતા પ્રાપ્ત થઈ હતી. મંદિર પ્રાંગણમાં શ્રાવણ માસની ભક્તિભાવથી છવાયેલો માહોલ સૌ કોઈને આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરાવી રહ્યો હતો.
આ રીતે રાજુલા સુખનાથ મહાદેવ મંદિર ખાતે યોજાયેલ બિલ્વપત્ર યજ્ઞ તથા સ્વચ્છતા અભિયાન માત્ર ધાર્મિક વિધિ પૂરતું સીમિત ન રહીને સમાજ સેવા, સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણના સંકલ્પ સાથે એક પ્રેરણારૂપ ઘટના બની ગયું છે. ભક્તજનોને ધાર્મિક તૃપ્તિ સાથે સેવા અને સહયોગના મૂલ્યોનું મહત્વ સમજાવનાર આ કાર્યક્રમ શ્રાવણ માસની પવિત્રતાને વધારે ઊંચાઈએ લઈ ગયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai