પાટણ, 17 ઓગસ્ટ (હિ.સ.)હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી કેમ્પસમાં 16 વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓ માટે 11 મહિનાના કરાર આધારિત ભરતી પ્રક્રિયા શરૂ થઈ રહી છે. યુનિવર્સિટીમાં કુલ 28 પોસ્ટની 43 જગ્યાઓ ભરવામાં આવશે. યુજીસીના નિયમો મુજબ લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી હતી જેમાંથી 156 અરજીઓ માન્ય રાખવામાં આવી છે.
આ ભરતી પ્રક્રિયા અંતર્ગત 18થી 20 ઓગસ્ટ દરમિયાન ઈન્ટરવ્યૂ યોજાશે. ઈન્ટરવ્યૂ હોસ્પિટલ મેનેજમેન્ટ ખાતે સવારે 9:00 વાગ્યાથી શરૂ થશે. ભરતી સંબંધિત તમામ વિગતો યુનિવર્સિટીની વેબસાઈટ પર ઉપલબ્ધ છે.
યુનિવર્સિટી કેમ્પસના લાઇફ સાયન્સ, કેમેસ્ટ્રી, મેથેમેટિક્સ, ફિઝિક્સ, હેલ્થ સેન્ટર, ઇંગ્લિશ, રિઝલ્ટ સેન્ટર, પીએચડી ફેકલ્ટી સેન્ટર, લીગલ સેલ અને આરટીઆઈ સેલ સહિતના 16 વિભાગોમાં આસિસ્ટન્ટ પ્રોફેસર, લેબ આસિસ્ટન્ટ, ટેકનિકલ આસિસ્ટન્ટ, મેડિકલ ઓફિસર, સીસીટીવી ઓપરેટર અને લીગલ ઓફિસર જેવી જગ્યાઓ ભરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર