પોલીસે જુગારના બન્ને બનાવમાં રૂપિયા 4590નો મુદ્દામાલ કબ્જે લઇને કુલ પાંચ ઇસમો સામે ગુનો નોંધ્યો
કબીરગામ અને મૌઝા ગામે આઠમનો જુગાર રમાતો હતો
પોલીસે તહેવારનો જુગાર રમતા લોકોની ઉપર રેડ પાડી ખેલ બગાડ્યો
ભરૂચ 17 ઓગસ્ટ (હિ.સ.)
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં બે અલગઅલગ સ્થળોએથી પોલીસે પત્તાપાના અને આંક ફરકના આંકડાનો જુગાર ઝડપી લઇને બન્ને ઘટનાઓમાં કુલ પાંચ ઇસમો સામે ગુનો દાખલ કર્યો હતો.
નેત્રંગ પોલીસમાંથી મળતી વિગતો મુજબ પોલીસને પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે કબીરગામ ખાડી ફળિયામાં આઠમના તહેવારમાં રુપિયાથી પત્તાપાનાનો હારજીતનો જુગાર રમતા ચાર ઇસમો વિનુ રામજી વસાવા,રાજુ રમેશ વસાવા,જયંતી શકિયા વસાવા તેમજ અનિલ રવિયા વસાવા તમામ રહે.ગામ કબીરગામ તા.નેત્રંગ જિ.ભરૂચનાને કુલ રૂપિયા 1410 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇને ચારેય ઇસમો સામે ગુનો દાખલ કર્યો હતો.જુગારની બીજી ઘટના મુજબ નેત્રંગ પોલીસને પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે મૌઝા ગામે ચીત્રા ડુંગર ફળિયામાં આંક ફરકના આંકડાનો જુગાર રમાડતો ગણેશ રંગજી વસાવા નામના ઇસમને આંકડા લખેલ સ્લિપબુક,બોલપેન,કાર્બન પેપર તેમજ રોકડા રુપિયા 3180 સાથે ઝડપી લઇને તેના વિરૂધ્ધ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ