નવી દિલ્હી, 17 ઓગસ્ટ (હિ.સ.). નાસાના એક્સિઓમ-4 અવકાશ મિશન પાઇલટ અને ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાનું, રવિવારે વહેલી સવારે અમેરિકાથી ભારત પરત ફરતા, ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. ગગનયાન મિશનના બેકઅપ અવકાશયાત્રી, પ્રશાંત બાલકૃષ્ણન નાયર પણ તેમની સાથે પરત ફર્યા છે. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહ, દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ દિલ્હી એરપોર્ટ પર શુભાંશુ અને નાયરનું સ્વાગત કર્યું.
શુભાંશુ શુક્લાના સ્વદેશ પરત ફરવા અંગે, કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું - ભારત ના અંતરીક્ષ ગૌરવ એ ભારતની ધરતી સ્પર્શી, કારણકે ભારત માતાના પ્રતિષ્ઠિત પુત્ર, ગગનયાત્રી શુભાંશુ શુક્લા આજે વહેલી સવારે દિલ્હી પહોંચ્યા.
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ પણ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શુભાંશુ શુક્લાના સ્વદેશ પરત ફરવા પર ખુશી વ્યક્ત કરી છે અને તેનાથી સંબંધિત તસવીરો શેર કરી છે.
એવું માનવામાં આવે છે કે, શુભાંશુ શુક્લા આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા પછી તેમના વતન લખનૌ જવા રવાના થશે.
શુભાંશુ શુક્લા નાસાના એક્સિઓમ-4 ખાનગી અવકાશ મિશનનો ભાગ હતા, જે 25 જૂને અમેરિકાના ફ્લોરિડા સ્થિત નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી ઉડાન ભરી હતી અને 26 જૂને ISS સાથે જોડાયેલી હતી. 18 દિવસના મિશનમાં, તેમણે તેમના અન્ય અવકાશ સાથીદારો સાથે 60 થી વધુ પ્રયોગો અને 20 જનસંપર્ક સત્રો કર્યા. શુભાંશુ 15 જુલાઈએ પૃથ્વી પર પાછા ફર્યા.
હિન્દુસ્થાન સમાચાર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ