ગાંધીનગર, 17 ઓગસ્ટ (હિ.સ.): રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ કહ્યું કે, હરિત ક્રાંતિએ દેશને ખાદ્યાન્નમાં આત્મનિર્ભર બનાવ્યો, પરંતુ ખેતીમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ અંધાધૂંધ ઉપયોગથી જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થયો, પાણી પ્રદૂષિત થયું અને લોકોના આરોગ્યનું સંકટ વધ્યું છે. આ બધાથી બચવા આજે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પ્રાકૃતિક ખેતી અપનાવવાની જરૂરી છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ આજે હિન્દુસ્તાન કૃષિ સંશોધન કલ્યાણ સોસાયટીના સહયોગ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય, ભારતીય કૃષિ સંશોધન પરિષદની વિવિધ સંસ્થાઓ તથા વિભિન્ન કૃષિ યુનિવર્સિટીઓના સંયુક્ત ઉપક્રમે આયોજિત 'પ્રાકૃતિક કૃષિ અને ઉભરતી ટેકનોલોજી' વિષયક 30 દિવસીય આંતરરાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ પ્રશિક્ષણ શિબિરનો શુભારંભ કરાવ્યો હતો.
આ તકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ કહ્યું કે, આ તાલીમ કૃષિ ઉત્પાદનમાં વધારો કરવા ઉપરાંત ધરતી માતાનું સ્વાસ્થ્ય, જળ સંરક્ષણ, પર્યાવરણનું રક્ષણ અને માનવ સ્વાસ્થ્યના રક્ષણનો માર્ગ પણ મોકળો કરશે. પ્રાકૃતિક ખેતી દ્વારા દેશી ગાયનું મહત્વ ફરીથી સ્થાપિત થશે અને આવનારી પેઢીઓને શુદ્ધ ખોરાક ઉપલબ્ધ થશે.
રાજ્યપાલે સ્પષ્ટતા કરી કે, પ્રાકૃતિક ખેતી એ ઓર્ગેનિક ખેતીથી અલગ છે. તે શુદ્ધ સૂક્ષ્મજીવાણુઓની ખેતી છે. જેમ જંગલમાં વૃક્ષો અને છોડ કોઈપણ ખાતર કે જંતુનાશક દવા વગર ખીલે છે, તેવી જ રીતે આપણા ખેતરો પણ પ્રાકૃતિક ખેતીથી સમૃદ્ધ થઈ શકે છે.
વૈજ્ઞાનિક તથ્યો ટાંકીને તેમણે કહ્યું કે, દેશી ગાયના છાણ અને ગૌમૂત્રમાં અસંખ્ય સૂક્ષ્મજીવાણુઓ હોય છે, જે જમીનની ફળદ્રુપતા વધારવા, નાઇટ્રોજન-ફોસ્ફરસ-પોટાશ જેવા તત્વો પૂરા પાડવા અને છોડને રોગમુક્ત રાખવામાં અત્યંત અસરકારક છે. પ્રાકૃતિક ખેતીમાં બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃત, આચ્છાદન - વાફસા નિર્માણ અને બહુ-પાક પદ્ધતિ જેવા પાંચ આયમોને અનુસરીને રાસાયણિક ખેતી કરતા પણ વધુ ઉત્પાદન મેળવી શકાય છે.
આચાર્ય દેવવ્રતએ જણાવ્યું હતું કે, જો દેશના ખેડૂતો મોટા પાયે પ્રાકૃતિક ખેતી અપનાવે છે, ખેડૂતોની આવકમાં વધારો થશે, ઉપજની ગુણવત્તા ઉત્તમ બનશે, પર્યાવરણનું રક્ષણ થશે, ભૂગર્ભ જળનું સ્તર સુધરશે, જમીનની ગુણવત્તા સુધરશે, જૈવ વૈવિધ્ય ફરી જીવંત થશે, લોકોને શુદ્ધ અને આરોગ્યપ્રદ આહાર મળશે, ગાય સંરક્ષણને પ્રોત્સાહન મળશે અને વિદેશી ખાતરો પર થતો કરોડો રૂપિયાનો ખર્ચ પણ બચશે.
રાજ્યપાલએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, આ 30 દિવસીય તાલીમ શિબિર કૃષિ ક્ષેત્રમાં એક નવી દિશા પ્રદાન કરશે અને ટકાઉ વિકાસનો પાયો બનશે.
અંતમાં રાજ્યપાલએ આયોજકોને આ મહત્વપૂર્ણ પહેલ બદલ અભિનંદન પાઠવ્યા અને કહ્યું કે, પ્રાકૃતિક ખેતી એ માત્ર વિકલ્પ નહીં, પરંતુ ટકાઉ વિકાસ, સ્વસ્થ જીવન અને પર્યાવરણ સંરક્ષણનો નિશ્ચિત માર્ગ છે, આ જ ભારતના ભવિષ્યની વાસ્તવિક જરૂરિયાત છે.
આ પ્રસંગે વેદાંત વિદ્વાન પૂજ્ય સ્વામી બ્રહ્માનિષ્ઠાનંદજી મહારાજ, જગત ગુરુ શંકરાચાર્ય મહાસંસ્થાનમ્ ના ધર્મ સભા વિદ્વતસંઘ રાષ્ટ્રીય અધ્યક્ષ બ્રહ્મચારી નિરંજનાનંદજી તેમજ ભારત સરકારના કૃષિ કમિશ્નર ડૉ. પી.કે. સિંહ એ કાર્યક્રમને અનુરૂપ ઉદબોધન કર્યું હતું.
આઈ.સી.એ.આર., અટારીના પૂર્વ નિયામક ડૉ. લાખન સિંહે સ્વાગત પ્રવચનમાં કાર્યક્રમની રૂપરેખા વર્ણવી હતી. કાર્યક્રમના અંતે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના કુલપતિ ડૉ. સી.કે. ટીંબડીયાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ ઉદ્ઘાટન સત્રમાં આઈ.સી.એ.આર., નવી દિલ્હીના નાયબ મહાનિર્દેશક ડૉ. રાજવીર સિંહ, આઈ.સી.એ.આર., જેનેટિક સોસાયટીના સચિવ ડૉ. સંજય કુમાર સિંહ, હિન્દુસ્તાન કૃષિ સંશોધન કલ્યાણ સમિતિ, આગ્રાના મહામંત્રી ડૉ. અનિલ ચૌધરી સહિત અનેક કૃષિ વૈજ્ઞાનિકો, કુલપતિઓ, સંશોધન સંસ્થાઓના ડિરેક્ટરઓ તેમજ પ્રગતિશીલ ખેડૂતો જોડાયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ