ભુજ – કચ્છ, 17 ઓગસ્ટ (હિ.સ.) કચ્છમાં સૌથી સારા વરસાદના પગલે શ્રાવણી તહેવારો ખીલી ઉઠ્યા છે ત્યારે ભચાઉ તાલુકાના ચોબારીમાં જન્માષ્ટમી પ્રસંગે મટકી ફોડના કાર્યક્રમમાં રંગમાં ભંગ પડ્યો હતો. મટકીનો રસ્સો જે વીજ પોલ સાથે બાંધ્યો હતો તે પોલ ભારે વજન અને ખેંચાણના લીધે ધસી પડતાં એક યુવાને જીવ ખોવાનો વારો આવ્યો હતો. અન્ય એક યુવાન ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
રસ્તાનું વજન ભારે પડ્યું, પોલ નીચે બાળક દબાયો
મળતી માહિતિ અનુસાર, ભચાઉ તાલુકાના ચોબારી ગામે નંદ ઘેર આનંદ સાથેનો મહોત્સવ ઉદાસીમાં પરિણમ્યો હતો. સ્થાનિક સરપંચે માધ્યમોને આપેલી માહિતી પ્રમાણે, જન્માષ્ટમીના સાંજે 7.30 વાગ્યાના અરસામાં મટકીફોડનું આયોજન જૂના ગામમાં યોજાયું હતું. રસ્સો બાંધેલો વીજપોલ અચાનક ભારે દબાણના કારણે ધસી પડ્યો હતો અને ભાગદોડ સર્જાઇ હતી. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો તે મુજબ, 12 વર્ષના બાળક જયેશ લાલજી વરચંદ આ પોલ નીચે આવી ગયો હતો અને ગંભીર ઇજાઓ થઇ હતી. ભારેખમ વીજપોલ નીચે આવી ગયા બાદ તેને તુરંત જ સ્થાનિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે લઇ જવાયો હતો. પરંતુ તેનો જીવ બચાવી શકાયો ન હતો.
વાગડ પંથમ સહિત સમગ્ર કચ્છમાં દુ:ખનો માહોલ
આ દુર્ઘટનાના પગલે ભચાઉ ઉપરાંત સમગ્ર વાગડ પંથકમાં ચકચાર ફેલાઇ ગઇ છે. આસપાસના ગામના લોકોમાં પણ વિશેષ દુ:ખની લાગણી ફેલાઇ છે. જન્માષ્ટમીની રજાઓ અને તહેવારોની રંગતમાં આવી દુર્ઘટના બનતાં સમગ્ર કચ્છ જિલ્લામાં લોકોમાં ઉદાસીનો માહોલ છવાયો છે.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA