વડોદરા, 17 ઓગસ્ટ (હિ.સ.): મકરપુરા વિસ્તારમાં એક મહિલાને ડરાવી-ધમકાવી ખંડણી ઉઘરાવવાનો અને તેનો નગ્ન વીડિયો બનાવી વાયરલ કરવાના કેસમાં 21 મહિના સુધી ફરાર રહેલો આરોપી કિશન ભોલારામ રાજપૂત (રહે. આદર્શનગર, નિઝામપુરા)ને મકરપુરા પોલીસે આખરે ઝડપી લીધો છે.
નવેમ્બર-2023માં મહિલાએ કિશન સહિત ચાર લોકો સામે ખંડણી, છેડતી તથા આઇટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. આરોપીઓ મહિલાને પૈસા આપવા દબાણ કરતા હતા, તેમજ વીડિયો બનાવી બ્લેકમેઈલિંગ કરતા હતા. કિશનની આગોતરા જામીન અરજી સેશન્સ કોર્ટમાં નામંજૂર થતાં પોલીસે તેની ધરપકડ કરી હતી.
અદાલતે નોંધ્યું હતું કે આરોપી વિરુદ્ધ ખંડણીના અન્ય ગુનાઓ પણ નોંધાયેલા છે અને કસ્ટોડિયલ ઇન્ટરોગેશન જરૂરી છે. આરોપી સામે વાડી પોલીસ સ્ટેશનમાં પણ બે અલગ ગુના નોંધાયેલા હતા, જેમાં અગાઉ તેને જામીન મળી ચૂક્યા હતા. પરંતુ મકરપુરા કેસમાં લાંબા સમયથી નાસતો ફરતો કિશન હવે કાયદાની પકડમાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે