પાટણ, 17 ઓગસ્ટ (હિ.સ.) રાધનપુર શહેરની ગજાનંદ પાર્ક સોસાયટીમાં જન્માષ્ટમી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર સોસાયટીમાં ભક્તિભાવનું વાતાવરણ છવાઈ ગયું હતું. મંદિરોથી લઈને ઘરો સુધી કાન્હાની ઝાંખીઓ સજાવવામાં આવી હતી અને સૌએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ પ્રસંગે સોસાયટીની નાનકડી બાળકી વૈભવી જાખેસરાએ શ્રીકૃષ્ણનું વેશ ધારણ કરી સૌનું મન મોહી લીધું હતું. પરંપરાગત રીતે યોજાયેલ મટકી ફોડ કાર્યક્રમમાં વૈભવીએ કૃષ્ણ બનીને મટકી ફોડી હતી, જેને જોઈ સૌએ તાળીઓ પાડી આનંદ વ્યક્ત કર્યો હતો.
સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભજનોના સ્વર અને કાન્હૈયાલાલ કી જય ના જયઘોષો ગુંજી ઉઠ્યા હતા. સોસાયટીના રહીશોએ ઉત્સાહપૂર્વક સહભાગી થઈ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. આ કાર્યક્રમથી બાળકોમાં ધાર્મિક સંસ્કાર સાથે ભક્તિભાવ પણ વિકસિત થયો હતો.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર