વડોદરા, 17 ઓગસ્ટ (હિ.સ.)-શહેરના પૂર્વ ઝોનમાં સ્વચ્છતા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC)એ પાંચ વોર્ડમાં (નં. 4, 5, 6, 14 અને 15) ડોર-ટુ-ડોર કચરા કલેક્શન માટે 150થી વધુ નવા વાહનોની ફાળવણી કરી છે.
આ યોજનામાં 135 રેસિડેન્શિયલ રૂટ, 23 કોમર્શિયલ રૂટ, 7 કિચન વેસ્ટ રૂટ અને 1 ધાર્મિક વેસ્ટ રૂટ સહિત કુલ 166 રૂટ કાર્યરત કરાશે. સાથે જ વધારાના 30 ઈ-રીક્ષા પણ ઉપયોગમાં લેવાશે. 15 ઓગસ્ટે નવા વાહનોનું ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું.
દરેક વાહનમાં GPS ટ્રેકિંગ સિસ્ટમ હશે અને સેન્ટ્રલ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી તેના રૂટનું મોનિટરિંગ કરવામાં આવશે. કચરા કલેક્શન સુચારુ અને સમયસર થાય તે માટે રૂટ મેપિંગ દ્વારા ચોક્કસ પોઇન્ટ નક્કી કરાયા છે.
મ્યુનિસિપલ કમિશનરે અગાઉ જણાવ્યું હતું કે, વડોદરાની ડોર-ટુ-ડોર કચરા કલેક્શન સિસ્ટમને સુરત અને ઇન્દોર પેટર્ન મુજબ વધુ કાર્યક્ષમ બનાવાશે. પૂર્વ ઝોન બાદ અન્ય ઝોનમાં પણ નવા વાહનો ફાળવવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે