24 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદી માહોલ યથાવત્
અમરેલી, 17 ઓગસ્ટ (હિ.સ.): સૌરાષ્ટ્ર સહિત અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલુ વરસાદી માહોલ આગામી 24 ઓગસ્ટ સુધી યથાવત્ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના અમરેલી, રાજકોટ, ભાવનગર સહિતના મોટાભાગના
24 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદી માહોલ યથાવત્


અમરેલી, 17 ઓગસ્ટ (હિ.સ.): સૌરાષ્ટ્ર સહિત અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલુ વરસાદી માહોલ આગામી 24 ઓગસ્ટ સુધી યથાવત્ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના અમરેલી, રાજકોટ, ભાવનગર સહિતના મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે. ગ્રામિણ વિસ્તારોમાં વરસાદને કારણે ખેડૂતોને ખેતીપાક માટે રાહત મળી રહી છે, તો બીજી બાજુ અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ પણ સર્જાઈ રહી છે.

હવામાન વિભાગના અનુમાન મુજબ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર તથા અરવલ્લી જિલ્લામાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસશે. મધ્ય ગુજરાતના ખેડા, આણંદ અને પંચમહાલ સહિતના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ અને સુરત જિલ્લામાં વરસાદી માહોલ યથાવત્ રહેશે.

આ સિવાય દમણ તથા દાદરા-નગર હવેલી વિસ્તારમાં છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને વલસાડ જિલ્લામાં વરસાદ વધુ તીવ્ર બનવાની શક્યતા છે. હવામાન નિષ્ણાતો માને છે કે અરબ સાગરમાં સક્રિય થયેલી પવન વ્યવસ્થા અને દક્ષિણ પશ્ચિમ મોસમી પવનના કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત્ છે.

મહારાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ જળવાઈ રહ્યો છે. મુંબઈ સહિતના અનેક વિસ્તારોમાં આજે ભારે વરસાદ વરસવાની શક્યતા છે. સતત વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ ઊભી થઈ શકે છે, તેથી હવામાન વિભાગે લોકો તથા પ્રશાસનને સતર્ક રહેવા સૂચના આપી છે.

આ રીતે, રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં 24 ઓગસ્ટ સુધી વરસાદી માહોલ ચાલુ રહેવાની આગાહી સાથે ખેડૂતોને તો રાહત મળશે, પરંતુ શહેરી વિસ્તારોમાં પૂરક વ્યવસ્થાઓ માટે પડકાર ઉભો થઈ શકે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande