નવી દિલ્હી, 17 ઓગસ્ટ (હિ.સ.). આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ, દિલ્હીના રોહિણીમાં લગભગ 11,000 કરોડ રૂપિયાના બે મોટા હાઇવે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ તેને દિલ્હીમાં ટ્રાફિક અને પ્રદૂષણની સમસ્યા ઘટાડવા માટે એક મોટું પગલું ગણાવ્યું.
ગડકરીએ કહ્યું કે, આ દિવસ આપણા માટે ગર્વનો દિવસ છે. ૨૦૧૪માં જ્યારે નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા ત્યારે તેમણે મંત્રાલયની પહેલી જ બેઠકમાં સ્પષ્ટ કર્યું હતું કે ભારતમાં વિશ્વસ્તરીય રસ્તાઓ બનાવવા જોઈએ. તે સમયે દિલ્હીમાં ભારે ટ્રાફિક અને પ્રદૂષણની સમસ્યા હતી, જેને ધ્યાનમાં રાખીને સરકારે રોડમેપ તૈયાર કર્યો હતો. તેના પ્રથમ તબક્કામાં 65,000 કરોડ રૂપિયાના ખર્ચે રોડ પ્રોજેક્ટ્સ શરૂ કરવામાં આવ્યા હતા, જેમાંથી 48,000 કરોડ રૂપિયાના કામ અત્યાર સુધીમાં પૂર્ણ થઈ ગયા છે. ગડકરીએ કહ્યું કે, ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસવે જેવા પ્રોજેક્ટ્સ અનેક અવરોધો છતાં સફળતાપૂર્વક પૂર્ણ થયા છે. આ ઉપરાંત દિલ્હી-મેરઠ એક્સપ્રેસવે પણ બનાવવામાં આવ્યો હતો, જેના કારણે પહેલા ચાર કલાક લાગતી મુસાફરી હવે માત્ર 45 મિનિટમાં પૂર્ણ થાય છે. આનાથી દિલ્હીના ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં ઘણી મદદ મળી છે. મુકરબા ચોકથી સોનીપત અને ગુરુગ્રામથી ધૌલા કુઆં સુધીનો રસ્તો હવે સિગ્નલ ફ્રી થઈ ગયો છે.
ગડકરીએ કહ્યું કે, આ પ્રોજેક્ટ 2001માં દિલ્હીના માસ્ટર પ્લાનમાં સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ પાછલી સરકારોએ તેના પર કોઈ કામ કર્યું ન હતું. બાદમાં એનએચએઆઈ એ, દિલ્હી સરકાર પાસેથી આ પ્રોજેક્ટ લઈ લીધો અને કામ શરૂ કર્યું. હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરની વિનંતી પર, દ્વારકા એક્સપ્રેસવેનું કામ પણ કેન્દ્ર સરકારે સંભાળી લીધું. તેમણે કહ્યું કે, આ બંને પ્રોજેક્ટ અત્યાધુનિક ટેકનોલોજીથી બનાવવામાં આવ્યા છે. આમાં, એક રસ્તા નીચે બીજો રસ્તો બનાવવામાં આવે છે અને ટનલ ચાર લેન ધરાવે છે. જો આ 29 કિમીના રસ્તાની એક લેનની લંબાઈ ગણીએ તો તે 563 કિમી જેટલી થાય છે. આ પ્રોજેક્ટ પોતાનામાં ખાસ છે કારણ કે તેમાં ટનલ, પુલ અને બહુ-સ્તરીય રસ્તાઓનો સમાવેશ થાય છે.
હિન્દુસ્થાન સમાચાર/પ્રશાંત શેખર/જિતેન્દ્ર તિવારી
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ