પરંપરાગત પદ્ધતિ ફરી જીવંત: મગફળીના પાક માટે રાત્રિના સમયે દવાનો છટકાવ એક અસરકારક ઉપાય
અમરેલી, 17 ઓગસ્ટ (હિ.સ.): અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી મગફળીના પાકમાં લશ્કરી ઈયળ તેમજ લીલી ઈયળનો ઉપદ્રવ ઝડપથી વધ્યો છે. ખેડૂતો પોતાના પાકને બચાવવા માટે દિવસ દરમિયાન દવાનો છટકાવ કરી રહ્યા છે, પરંતુ ઘણી વખત દિવસ દરમિયાન દવાનો છટકાવ એટલો અસરકારક
વડીલોની પરંપરાગત પદ્ધતિ ફરી જીવંત


વડીલોની પરંપરાગત પદ્ધતિ ફરી જીવંત


વડીલોની પરંપરાગત પદ્ધતિ ફરી જીવંત


વડીલોની પરંપરાગત પદ્ધતિ ફરી જીવંત


અમરેલી, 17 ઓગસ્ટ (હિ.સ.): અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી મગફળીના પાકમાં લશ્કરી ઈયળ તેમજ લીલી ઈયળનો ઉપદ્રવ ઝડપથી વધ્યો છે. ખેડૂતો પોતાના પાકને બચાવવા માટે દિવસ દરમિયાન દવાનો છટકાવ કરી રહ્યા છે, પરંતુ ઘણી વખત દિવસ દરમિયાન દવાનો છટકાવ એટલો અસરકારક સાબિત થતો નથી. આવી પરિસ્થિતિમાં હવે ખેડૂતો જૂની પદ્ધતિ તરફ વળી રહ્યા છે. વર્ષો પહેલા ખેડૂતો અને વડીલો પોતાના અનુભવ પરથી રાત્રિના સમયે દવાનો છટકાવ કરતા હતા, કારણ કે તે સમયે ઈયળો વધુ પ્રમાણમાં મગફળીના પર્ણ ઉપર આવી જાય છે અને તેમને સરળતાથી નિયંત્રિત કરી શકાય છે. આજના સમયમાં આધુનિક સાધનો હોવા છતાં ખેડૂતો ફરી એકવાર આ પરંપરાગત પદ્ધતિ અપનાવી રહ્યા છે.

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના છાપરી ગામના ખેડૂત ચૌહાણ નીતિનભાઈએ જણાવ્યું કે તેમણે 15 વીઘામાં મગફળીનું વાવેતર કર્યું છે. પાક સારો ઉભો થયો છે પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી લશ્કરી ઈયળનો ભારે ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. નીતિનભાઈએ જણાવ્યું કે દિવસ દરમિયાન બે વખત દવાનો છટકાવ કર્યો હતો, છતાંય ઈયળના ઉપદ્રવમાં ઘટાડો થયો નથી. તે સમયે તેમને પોતાના વડીલ પાસેથી સાંભળેલું અને પોતાના દાદાના અનુભવો યાદ આવ્યા. તેમના દાદા કહેતા કે જો રાત્રિના સમયે દવાનો છટકાવ કરવામાં આવે તો ઈયળ ઉપર ઝડપી અસર થાય છે. કારણ કે દિવસ દરમિયાન તડકામાં ઈયળ જમીન કે થડના નીચેના ભાગમાં છુપાઈ જાય છે. પરંતુ રાત્રિના સમયે વાતાવરણ ઠંડું થતાં ઈયળ પર્ણ ઉપર આવીને ખાવા માંડે છે. આવી પરિસ્થિતિમાં દવાનો છટકાવ કરવામાં આવે તો તેનો સીધો અસર ઈયળ ઉપર થાય છે અને ઉપદ્રવ ઘટાડવામાં સહાય મળે છે. આ કારણસર તેમણે પોતાના ખેતરમાં રાત્રિના સમયે દવાનો છટકાવ શરૂ કર્યો છે.

તે જ રીતે છાપરી ગામના બીજા ખેડૂત સંજયભાઈ ગોંડલીયાએ પણ પોતાનો અનુભવ શેર કર્યો હતો. સંજયભાઈએ જણાવ્યું કે તેમની પાસે કુલ 20 વીઘા જમીન છે જેમાંથી 15 વીઘામાં મગફળીનો પાક ઉભો છે. છેલ્લા કેટલાક દિવસથી મગફળીમાં લશ્કરી ઈયળનો ઉપદ્રવ વધી ગયો છે. તેમણે દિવસ દરમિયાન બે વખત દવાનો છટકાવ કર્યો હતો પરંતુ તેની અસર દેખાઈ નથી. વડીલો પાસેથી સાંભળેલું હતું કે રાત્રે દવાનો છટકાવ કરવામાં આવે તો ઈયળને વધુ અસર થાય છે. કારણ કે દિવસ દરમિયાન ઈયળ થડ અને જમીનની નીચે છુપાઈ જાય છે જ્યારે રાત્રે પર્ણ ઉપર ખાવા માટે આવે છે. આ સમયે દવાનો છટકાવ કરવાથી સીધો સંપર્ક ઈયળ સાથે થવાથી તે ઝડપથી નાશ પામે છે. એ કારણે સંજયભાઈએ પણ રાત્રિના સમયે દવાનો છટકાવ શરૂ કર્યો છે.

ખેડૂતો કહે છે કે રાત્રિના સમયે છટકાવ કરતાં દવાનો ખર્ચ ઓછો થાય છે અને અસરકારક પરિણામ મળે છે. દિવસ દરમિયાન દવાનો છટકાવ કરતાં એક તો તાપમાનના કારણે દવાની અસર ઘટી જાય છે, બીજું ઈયળ જમીનમાં છુપાઈ જાય છે. જ્યારે રાત્રે ઠંડકમાં ઈયળ પાકના ઉપરના ભાગમાં આવીને ખાવા માંડે છે, તે સમયે દવાનો છટકાવ કરવાથી યોગ્ય પરિણામ મળે છે.

આ પદ્ધતિ ખેડૂતો માટે આશીર્વાદરૂપ બની રહી છે. ઘણા ખેડૂતો પોતાની વાડીઓમાં આ જ રીત અજમાવી રહ્યા છે. છેલ્લા કેટલાય વર્ષોથી વૈજ્ઞાનિકો અને કૃષિ વિભાગના અધિકારીઓએ પણ ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન આપ્યું છે કે પાકમાં જીવાતનો ઉપદ્રવ કઈ રીતે નિયંત્રિત કરી શકાય. તેમ છતાં, વડીલોની પરંપરાગત રીતો ઘણી વખત વધુ અસરકારક સાબિત થાય છે.

અમરેલી જિલ્લાના ખેડૂતો હવે રાત્રિના સમયે ટ્રેક્ટર પંપ, મોટર પંપ અને સ્પ્રે પંપની મદદથી દવાનો છટકાવ કરે છે. આ રીતમાં ઓછા સમયમાં વધારે વિસ્તાર આવરી લેવાઈ જાય છે અને ઉપદ્રવ પર કાબુ મેળવવામાં સહાય મળે છે. ઘણા ખેડૂતો કહે છે કે આ રીતે તેઓને પાકની ઉપજ સારી રીતે બચાવી શકાય છે.

મગફળી ગુજરાતનો મહત્વપૂર્ણ પાક છે અને ખાસ કરીને અમરેલી જિલ્લામાં તેનો વાવેતર મોટા પ્રમાણમાં થાય છે. પાકમાં લશ્કરી ઈયળ અને લીલી ઈયળનો ઉપદ્રવ ખેડૂતો માટે ચિંતાનો વિષય છે. આ પરંપરાગત પદ્ધતિને આધુનિક સાધનો સાથે અપનાવીને ખેડૂતો પોતાનો પાક બચાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે.

અંતે કહી શકાય કે જૂની પદ્ધતિ અને આધુનિક સાધનોનું સંયોજન ખેડૂતોને પાક બચાવવામાં મદદરૂપ બની રહ્યું છે. વડીલોનો અનુભવ અને ખેડૂતનો પરિશ્રમ મગફળીના પાક માટે રાત્રિના સમયે દવાનો છટકાવ એક અસરકારક ઉપાય સાબિત થઈ રહ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande